Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અમદાવાદ એરપોર્ટ ઉપર દુબઇથી આવેલ એક વ્‍યકિતનો રિપોર્ટ પોઝીટીવઃ ઓમિક્રોનની આશંકાને લઇને સેમ્‍પલ ટેસ્‍ટીંગ માટે મોકલાયા

સિવિલ હોસ્‍પિટલના અલાયદા વોર્ડમાં સારવારમાં ખસેડાયા

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો રાજ્યમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનના પણ અત્યાર સુધી ચાર કેસ નોંધાયા છે. હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનનો એક શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ છે. હવે તેના જીનોમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દી

સિવિલ મેડીસીટીની 1200 બેડ હોસ્પિટલમાં ઓમિક્રોન વેરિએન્ટનો શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ છે. 48 વર્ષના મૂળ આણંદના રહેવાસી દર્દીનું સેમ્પલ જીનોમ સિકવન્સીગ માટે મોકલવામાં આવ્યું છે. દર્દીને 1200 બેડ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ઓમિક્રોનના અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ ખસેડાયા છે.

દર્દીએ કર્યો હતો વિદેશ પ્રવાસ

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઓમિક્રોનનો શંકાસ્પદ દર્દી લંડનથી દુબઈ અને ત્યારબાદ અમદાવાદ આવ્યો હતો. એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં રહેલા તમામ પેસેન્જરના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવે પછી ખ્યાલ આવશે તે ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં.

રાજ્યમાં નવા 53 કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 53 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોઈપણ દર્દીનું મૃત્યુ થયું નથી. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 53 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 8 લાખ 28 હજાર 299 કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે રાજ્યમાં 10100 લોકોના નિધન થયા છે.

(5:01 pm IST)