Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સુરતની ફેક્‍ટરીમાં ચાલુ કામમાં મોબાઇલ ઉપર વાત કરતો કર્મચારી મશીનમાં લપેટાયોઃ ગોળ-ગોળ ફર્યા બાદ અંતે ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયો

પ્‍લાસ્‍ટીકની જરીની સીટના કટર મશીન પાસે દુર્ઘટના સર્જાઇ

સુરત: સ્માર્ટફોન જેટલો ઉપયોગી છે, તેટલો જ જોખમી પણ છે. કેટલાક લોકો એવા હોય છે કે જેમને મોબાઈલની આદત પડી જાય છે, અને આ આદતમાં તેઓ મોટી મુસીબત નોતરી લેતા હોય છે. તો ક્યારેક મોબાઈલની આદત જીવ પણ લઈ લે છે. કામના સમયે મોબાઈલ પર વાત કરવુ કેટલુ જોખમી છે તેનો પુરાવો આપતો વીડિયો સામે આવ્યો છે. સુરતની એક ફેક્ટરીમાં મોબાઈલ પર વાત કરતો એક કર્મચારી મશીનમાં લપેટાયો હતો. આ યુવક મશીનમાં ગોળ ગોળ ફર્યો હતો, અંતે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

સુરતના ભાઠેના વિસ્તારના એક કારખાનામાં એક બનાવ બન્યો હતો. આ કારખાનામાં પ્લાસ્ટિકની જરીની સીટનું કામ ચાલી રહ્યુ હતું. પ્લાસ્ટિકની જરીની સીટના કટર મશીન પાસે એક યુવક કામ કરી રહ્યો હતો. આ યુવક લાંબા સમયથી કામ કરતા સમયે ફોન પર વાત કરી રહ્યો હતો. તે ચાલુ કામમાં ફોનમાં એટલો મશગૂલ હતો કે, તેણે સ્વીચ ચાલુ કરી તે ભેગા જ મશીનના કટરમાં ફસાઈ ગયો હતો. ગણતરીની સેકન્ડમાં યુવક મશીનની અંદર ધસી ગયો હતો, અને મશીનના પાર્ટસની અંદર ગોળ ગોળ લપેટાયો હતો.

યુવકને જોઈને પાસે બેસેલા બે કર્મચારીઓ મદદે દોડ્યા હતા. મશીનની સ્વીચ બંધ કરવામા આવી હતી, અને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

તો બીજી તરફ, કારખાનામા લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. આમ, એક મોબાઈલ કેટલો ઘાતક બની શકે છે તે જાણવા આ કિસ્સો લાલબત્તી સમાન છે.

(4:58 pm IST)