Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ગુજરાતમાં રૂ. ૧૭ કરોડના અકસ્માત વીમાના દાવા ચૂકવાયા

કોરોના મહામારીની અસર : ગુજરાતમાં અકસ્માત વીમા યોજનાના દાવાની સંખ્યામાં વધારો થયો : કોરોના મહામારી પછી લોકોમાં વીમા બાબતે જાગૃતિ વધી : એક વર્ષમાં લાખો નવા વીમા ધારકો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સાથે જોડાયા

નવી દિલ્હી તા. ૧૬ : કોરોના મહામારીની શરૂઆત થઈ છે ત્યારથી મેડિકલ ઈમર્જન્સીની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. આ વધારાની સાથે જ ગુજરાતમાં સરકારી અકસ્માત વીમા યોજનાના કલેઈમની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૦થી નવેમ્બર ૨૦૨૧ દરમિયાન પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૧૭ કરોડ રુપિયાની કિંમતના કલેઈમ ચૂકવવામાં આવ્યા છે. આ માહિતી સંસદમાં રજૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાએ સરકાર માન્ય્ય વીમા યોજના છે.

આ યોજનાના ભાગ રૂપે, બાર રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ માટે વીમાધારક વ્યકિતને એક લાખ રૂપિયા સુધીનો વીમો પાકી શકે છે. જો કોઈ વ્યકિત અકસ્માતમાં આંશિક વિકલાંગ બન્યો હોય તો એક લાખ રૂપિયા મળી શકે છે. આ સિવાય જો વીમાધારક વ્યકિત અકસ્માતને કારણે સંપૂર્ણપણે દિવ્યાંગ બની જાય તો તેને અથવા તો જેનું મૃત્યુ થાય તો તેના નોમિનીને બે લાખ રૂપિયા મળી શકે છે.

ગુજરાતમાં જૂન ૨૦૨૦થી મે ૨૦૨૧ દરમિયાન ૭.૦૪ કરોડ રૂપિયાના કલેઈમ માટે પૈસા ચુકવવામાં આવ્યા છે. જો કે, વીમા પોલીસી વર્ષના છ મહિનાના ગાળામાં એટલે કે જૂનથી લઈને નવેમ્બર સુધીમાં, ૧૦.૪૬ કરોડ રુપિયાના કલેઈમ ચૂકવવામાં આવ્યા છે. આ કલેઈમની સંખ્યામાં ૪૮ ટકાનો વધારો નોંધાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કલેઈમની વધતી સંખ્યા દર્શાવે છે કે આકસ્મિક મૃત્યુના કેસ વધી રહ્યા છે, પરંતુ સાથે સાથે તે દર્શાવે છે કે લોકોમાં જાગૃતિ વધી ગઈ છે.

એક સૂત્રએ જણાવ્યું કે, હવે વધારે પ્રમાણમાં લોકો અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા માટે જાગૃત થયા છે. આના કારણે વીમાધારકોની સંખ્યામાં વધારો થયો છે અને સાથે સાથે વળતર માટેના દાવાઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. આમ જોવા જઈએ તો, નવા વીમાધારકોની સંખ્યા વધી રહી છે અને બીજી બાજૂ પૈસા માટે દાવો કરવાની પ્રક્રિયા સરળ બની છે. જેના પરિણામે આ યોજનાનો લાભ લેનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, કોરોના મહામારીની શરૂઆત થઈ છે ત્યારથી પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY)ના વીમાધારકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. માત્ર વર્ષ ૨૦૨૦-૨૧ની વાત કરીએ તો લગભગ ૧૯.૬૫ લાખ નવા વીમાધારકો આ યોજના સાથે જોડાયા છે.

(10:37 am IST)