Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અમે પૂરાવા આપ્યા છે, વોરાને હટાવવામાં આવે : યુવરાજ સિંહ

પેપર લીક કાંડનો મુદ્દો ગરમાયો : યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે, અમે ગૌણ સેવાના સચિવ પરમાર સાહેબને અમે પૂરાવા આપી ચુક્યા છીએ

ગાંધીનગર,તા.૧૫ : રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા બાદ પેપર લીક થવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ આજે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતુ કે પેપર લીકના હજુ સુધી કોઈ પૂરાવા મળ્યા નથી. તેમણે કહ્યું કે, હજુ કોઈ લેખિત ફરિયાદ મળી નથી. જો કોઈ ફરિયાદ મળશે તો તપાસ કરવામાં આવશે. હવે અસિત વોરાની પત્રકાર પરિષદ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ પત્રકારો સાથે વાત કરીને ગંભીર આરોપો લગાવ્યા છે.  પત્રકારો સાથે વાત કરતા યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે, અમે ગૌણ સેવાના સચિવ પરમાર સાહેબને અમે પૂરાવા આપી ચુક્યા છીએ. અમે તેમની સાથે ટેલીફોનમાં ચર્ચા પણ કરી હતી. તો અમે ગાંધીનગરના પીઆઈને પણ ફોન કરીને જાણ કરી હતી. અમારી પાસે તેનું રેકોર્ડિંગ પણ છે. આ સાથે યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે, શંકાના દાયરામાં અસિત વોરા છે. તેમને પહેલા દૂર કરવામાં આવે. આ સાથે તેમણે આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની માંગ પણ કરી હતી. આ ઘટનામાં અસિત વોરાને દૂર કરી નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. યુવરાજ સિંહ જાડેજાએ સમય સાથે પૂરાવા રજૂ કર્યા છે. તેમણે મીડિયાને ઓડિયો ક્લિક પણ આપી છે. તેમણે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે, અમે પૂરાવા આપી ચુક્યા છીએ અને જો ભવિષ્યમાં પૂરાવા આપવાની જરૂર પડશે તો અમે આપવા માટે તૈયાર છીએ. યુવરાજ સિંહ જાડેજાએ આ મામલે અસિત વોરાને દૂર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, અસિત વોરા શંકાના દાયરામાં છે. તો તેમણે માંગ કરી કે હર્ષ સંઘવીએ આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ. ગૃહ રાજ્યમંત્રીએ દખલગીરી કરીને આ મુદ્દે સત્ય સામે લાવવું જોઈએ.  યુવરાજ સિંહે કહ્યુ કે, પેપર લીક મામલે જે ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના નંબર પણ અમારી પાસે છે. વિદ્યાર્થી નેતાએ આ કારનો નંબર આપ્યો હતો. આ ગાડીનો ઉપયોગ પેપર કાંડમાં થયો હતો. અમારી પાસે જે મોબાઇલથી ડીલ થઈ છે તેના નંબરો પણ છે. અમે આ તમામ પૂરાવા વિશ્વાસુ વ્યક્તિને આપવા માટે તૈયાર છીએ. વિદ્યાર્થીઓના હિત સાથે અન્યાય ન થાય તે માટે તટસ્થ તપાસ થવી જોઈએ.

 

(7:40 pm IST)