Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પ્રી-વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2021 : એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ - આણંદ કૃષિ યુનિવર્સિટી : પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતના આહ્વાનથી પ્રેરિત થઈને ઇફકોએ વિશ્વમાં સર્વપ્રથમ નેનો યુરિયા લોન્ચ કર્યું : ડો. તરનેન્દુસિંગ, ઇફકો

ઇફકો દ્વારા કલોલ ખાતેના પ્લાન્ટમાં દૈનિક દોઢ લાખ બોટલ નેનો યુરિયાનું થઈ રહ્યું છે ઉત્પાદન : કૃષિ ક્ષેત્રે નેનો બોયો ટેકનોલોજીથી આમૂલ પરિવર્તન આવશે:કૃષિ ક્ષેત્રે નેનો-બોયો ટેક્નોલોજીના ઉપયોગ અંગે સેમિનાર યોજાયો

રાજકોટ તા.૧૫ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ ઉપર યોજાયેલ ત્રીદિવસીય પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૧ ના બીજા દિવસે કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલજી અને નેનોટેક્નોલોજીના વ્યાપ, શક્યતાઓ અને તકો ઉપર જ્ઞાનસત્ર યોજાયું હતું. જેમાં દેશભરમાંથી આવેલા નિષ્ણાતોએ પોતાના વિચાર રજૂ કર્યા હતા.

        આ જ્ઞાનસત્રમાં ઇફકોનાં એ એસડી વિભાગના વડા શ્રી તરનેન્દુસિંગએ જણાવ્યું કે, ઇફકો ખેડૂતોના ઉત્પાદન-ગુણવત્તા સહિતની બાબતોમાં વધારો થાય એ માટે ઉન્નત ટેકનોલોજીને ખેડૂતો સુધી પહોંચાડી રહી છે. ઇફકો બહુધા કેમિકલ ખાતર માટે જાણીતી છે. ઇફકો વર્ષ ૫૪ વર્ષથી લાગલગાટ ખેડુતોના હિતો માટે કાર્યરત છે. દેશના કરોડો ખેડૂતો ઇફકો સાથે જોડાયેલા છે. દેશમાં ૩૫૦ લાખ ટન યુરિયાનો વપરાશ છે. ઇફકો દ્વારા ૮૯ લાખ મેટ્રિક ટન યુરિયા પૂરું પડાય છે. 

        તેમણે જણાવ્યું કે, કેમિકલ ખાતરના ઘણા દુષ્પ્રભાવો જોવા મળી રહ્યા છે  પણ ખેડૂતો તેના વિકલ્પ વિશે વિચારતા નથી. યુરિયાના જે દુષ્પ્રભાવો છે તેની સામે ઇફકો દ્વારા વિકસાવવામાં આવેલું નેનો યુરિયા ખૂબ મહત્વનું સાબિત થશે. નેનો યુરિયાથી માટીની ગુણવત્તા સુધરે છે. તેમાં રહેલા નાઇટ્રોજન સહિતના તત્વોનું પ્રમાણ ઊંચું આવે છે. ખેત ઉત્પાદન વધે છે. યુરિયા ખાતરની આખી બોરી સામે નેનો યુરિયાની એક બોટલ પૂરતી છે. આ નેનો યુરિયાના ૧૮ રાજ્યોમાં ૩૫૫ જેટલા ટ્રાયલ કરાયા છે. આ નેનો યુરિયા દરેક માપદંડ પર ખરું ઉતરી રહ્યું છે. તે બાયોસેફ છે, નોન ટોક્સિસ, ઇકો ફ્રેંડલી છે. ખેડૂતોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે. ઇફકો દ્વારા નેનો યુરિયા લીકવિડ, નેનો ઝીંક અને નેનો કોપર વિકસાવવામાં આવ્યા છે. જે ભવિષ્યમાં નેનો ટેક્નોલોજી થકી કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવશે. જેની શરૂઆત ઇફકો દ્રારા કરવામાં આવી છે.

            ઇફકોના સ્ટેટ માર્કેટિંગ મેનેજર શ્રી એન.એસ. પટેલે જણાવ્યું કે, ઇફકો દુનયાભરમાં પ્રથમ નંબરની સહકારી સંસ્થા છે જેનો શ્રેય ખેડૂતોને જાય છે. દેશમાં ૩૫૦ લાખ ટન યુરિયાની વપરાશ છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ ખેડૂતોને ઓછામાં ઓછું યુરિયાનો  વપરાશ કરવા જણાવ્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારતનું આહવાન કર્યું છે ત્યારે ઇફકોએ નેનો યુરિયાનો આવિષ્કાર કર્યો છે. દુનયામાં સર્વપ્રથમ ઇફકોએ નેનો યુરિયાને લોન્ચ કર્યું છે. સામાન્ય યુરિયાની કાર્યક્ષમતા ૩૦-૪૦ ટકા છે. જ્યારે નેનો યુરિયાની ઉપજાવ ક્ષમતા ૮૬ ટકા છે. 

         સરકાર ખેડૂતોને સબસીડી દ્વારા યુરિયા આપે છે. સરકાર જે યુરિયા રૂ. ૩૨૫૦ માં આપે છે તે માટે  સરકારને રૂ. ૧૭૫૦૦ ખર્ચે છે. જેમાં ૮૦ ટકાથી વધુ બહારથી મંગાવવામાં આવે છે. દેશમાં નેનો યુરિયાનો વપરાશ ૧૦ ટકા પણ કરવામાં આવે તો ખૂબ મોટો ફાયદો થઈ શકે છે. 

       નેનો યુરિયા પર કરાયેલા સંશોધન પરથી ફલિત થયું છે કે, ખેત ઉત્પાદનમાં ૮ ટકા વધારો થાય છે. જ્યારે નેનો યુરિયા લીકવિડ રૂપે છે એટલે પાણીનો વપરાશ પણ ઘણો ઓછો થઈ જાય છે. નેનો યુરિયા જનઆરોગ્યને કોઈ નુકસાન નથી કરતું. 

           બેયર ક્રોપ સાયન્સ લી. ના ડો. પ્રસન્ના ભટએ જણાવ્યું કે, ખેડૂતોના સર્વાગી વિકાસ માટે ખાનગી અને જાહેર ક્ષેત્રોએ એક થઈને કામ કરવાની જરૂર છે. ખેડૂતો માટે સીડ, કેમિકલ સહિતના ઉત્પાદનો સાથે અમારી કંપનીએ પ્રોડક્ટ એન્ડ સોલ્યુશન બેઇઝ સર્વિસ પણ અપાઇ રહી છે.

       દેશમાં ગુજરાત કોટનનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. જ્યારે કોટન ઉત્પાદનની જમીન મામલે રાજ્ય બીજા ક્રમે છે. તેનું કારણ અહીંના ખેડૂતો નવી ટેક્નોલોજીને સરળતાથી અપનાવી રહ્યા છે. અમારી કંપની દ્વારા કોટન ક્ષેત્રમાં બોયો ટેકનોલોજીનો ઉપયોગ કરાય રહ્યો છે. ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં આ ક્ષેત્રે બીજી જનરેશન ચાલી રહી છે. જ્યારે કેટલાક દેશો ખૂબ આગળ છે. જ્યાં ચોથી જનરેશન કહી શકાય. એટલે કે ભારતમાં આ ક્ષેત્રે ઘણી સંભવના રહેલી છે. આ માટે કેટલીક નીતિગત ઉપાયોની પણ જરૂર છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દેશ કૃષિ ક્ષેત્રે ખૂબ આગળ આવી શકે છે.

         કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. એન.એચ. કેલાવાલાએ બાયોટેકનોલજીનો પશુપાલન ક્ષેત્રે ઉપયોગ બાબતે પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ફક્ત ખેતી કે ફક્ત પશુપાલન કરતા આ બન્ને એક સાથે અપનાવવા ખેડુતો માટે વધુ નફાકારક છે. પશુપાલન ક્ષેત્રે આ ઉન્નત તકનીકના ઉપયોગથી ઊંચી ગુણવત્તાની ઔલાદો મળે છે. તેમજ પશુપાલન વધુ નફાકારક બને છે.

           આ વેળાએ નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. ઝેડ.પી. પટેલએ કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલજી નેનો ટેક્નોલોજીનો ઉપયોગ વિશે વાત કરી હતી.

      આ સેમિનારમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો ઉપસ્થિત રહયા હતા.

(4:49 pm IST)