Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોલ ડિટેઇલ્સના આધારે આઠ શંકાસ્પદોની અટકાયત કરાઇ

ગૌણ સેવાના પેપર લીક મામલે કાર્યવાહી : મંગળવારે ગાંધીનગર ખાતે અને સોશિયલ મીડિયા પર પેપર લીક મામલે ઉમેદવારોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી

ગાંધીનગર,તા.૧૫ : દોઢ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેવા ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઇ જતા ઉમેદવારોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે. ત્યારે આજે આ અંગે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આક્ષેપો થયેલા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. જેમા તેઓ પોલીસની અત્યાર સુધીની કાર્યવાહી અંગે સમીક્ષા કરશે. આ સાથે ફરિયાદ બાદ શું કાર્યવાહી થઈ તે અંગે પણ ચર્ચા કરાઈ હતી. આ સાથે આમાં આઠ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. મંગળવારે દિવસભર ગાંધીનગર ખાતે અને સોશિયલ મીડિયા ઉપર પેપર લીક મામલે ઉમેદવારોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમની એક જ માંગ છે કે, આ માટે જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલા લો. હેડ ક્લાર્ક પેપર લીક મામલે શંકાસ્પદ ૮ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર અને સાબરકાંઠાના શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે. તમામ શખ્સોની કોલ ડિટેઈલ્સને આધારે અટકાયત કરવામાં આવી છે. સાથે જ પેપર લીકની ઘટનામાં શંકાસ્પદ ભૂમિકા ભજવનારાની પણ અટકાયત કરાઈ છે. રવિવારે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર આગલા દિવસે લીક થઇને લાખો રૂપિયામાં વેચાયુ હોવાનો આરોપ આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા લગાવવામાં આવ્યો હતો. હિંમતનગર નજીક એક ફાર્મ હાઉસ ખાતેથી ભાવનગર સુધી વેચાયું હોવાનું પણ જણાવવામાં આવ્યું હતુ. આ અંગે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ જણાવ્યુ હતુ કે, પેપર લીક મામલે પોલીસ તપાસ ચાલુ છે. લીક થયું હશે તો ગંભીરતાથી પોલીસ કાર્યવાહી થશે. ભ્રષ્ટાચાર કરનારા કોઇને છાવરવામાં આવશે નહીં. યુવરાજસિંહના દાવા પ્રમાણે, આ પેપર અંદાજીત ૭૨ જેટલા ઉમેદવારો પાસે પહોંચ્યું છે. સૌથી ખાસ વાત તો એ છે કે, હેડક્લાર્કની લેખિત પરીક્ષાનું પેપર લીક થયાની હાર્ડ કોપીના પુરાવા પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા રજૂ કરાયા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, પ્રાંતિજના ઊંછા સ્થિત ફાર્મ હાઉસમાં ૧૬ વિદ્યાર્થીઓ સાથે એક નિરીક્ષક હાજર હતા. આ લોકોએ મળીને ૨૦૦ પ્રશ્નો ચોપડીમાંથી સોલ્વ કર્યા હતા. આ ઉપરાંત કોબા ખાતે આવેલી મધુરી મનસુખ વસાવા સંસ્થાના એક વિદ્યાર્થીને પરીક્ષા પછી સ્કૂલની બહાર એક ચબરખી મળી આવી હતી. જેમાં જવાબ લખેલા હતા. દોઢ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પરંતુ ફક્ત ૧૮૬ જગ્યા જ ભરવાની છે. ત્યારે આ પરીક્ષા કેટલી નિષ્પક્ષ રીતે અને ગેરરીતિ વિના લેવાઇ છે કે નહીં તે પ્રશ્ન ઉમેદવારોમાં ઉભો થયો છે.

(7:36 pm IST)