Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

હેડક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ અંગે પગલા લઇ ભવિષ્યની પરીક્ષામાં યોગ્ય આયોજન કરવા આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદન

હિંમતનગર માં પેપર લીકની ઘટનાને જો ગંભીરતાથી નહીં લેવાય અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓએ તૈયારી છોડી મેદાનમાં આવવાની ફરજ પડશેની ચીમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં સરકારી ભરતી બાબતે પરીક્ષાઓ લેવાઈ રહી છે જેમાં ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાની બુમ પણ ઉઠે છે જેમાં હિંમતનગરમાં બનેલી આવી ઘટના બાબતે આજરોજ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી અને કલેક્ટરને આપેલા આઆવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર સરકાર દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લઇને વિવિધ ભરતીઓ થાય છે.આ પરીક્ષાઓમાં ગુજરાતના ૧૦ થી ૧૫ લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો જોડાયેલા છે ત્યારે આ પરીક્ષામાં પારદર્શકતા જળવાય એ ખુબ જ જરૂરી છે . તાજેતરમાં તા . ૧૨/૧૨/૨૦૨૧ ના રોજ લેવાયેલ હેડક્લાર્કની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષાની માફક પેપર લીક થયું હતું . હિંમતનગરના એક ફાર્મ હાઉસમાં સોળ જેટલા વિદ્યાર્થીઓ અને ત્યાંથી સોશિયલ મીડિયા દ્વારા ભાવનગર , વડોદરા , કચ્છ વગેરે સ્થળોએ પરીક્ષાના બે કલાક અગાઉ પેપર પહોચ્યું હતુ . પેપર લીક થવાની આ પરંપરા ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્યાય છે . હજારો રૂપીયા ક્લાસીસમાં બગાડી અને પોતાનો અમુલ્ય સમય બગાડીને પોતાનું જીવન સજાવા માટે મથી રહેલા ગાંધીજીના ગુજરાતમાં વિદ્યાર્થીઓ દર પરીક્ષા વખતે માનસિક આઘાત અનુભવે છે . આ એક પ્રકારની હિંસા જ થાય છે હિંમતનગરમાં બનેલી આ ઘટનાની આધારો સાથે રજુઆત કરવામાં આવી છે ત્યારે દોષિતો સામે કાર્યવાહી થાય અને અન્ય આવા લોકોને બોધપાઠ મળે તેવી રીતે સરકાર દ્વારા આવા લોકો સામે કાર્ય દોષિતોને પરીક્ષામાંથી બાકાત કરવામાં આવે અને આ કૌભાંડ સાથે સંકળાયેલા દરેક લોકોની સામે યોગ્ય કાર્યવાહી થાય . તેમજ ભવિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનીયતા જળવાય તેવા પ્રકારે આયોજન થાય તેવુ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ ઇચ્છી રહ્યા છે
તાજેતરની પેપર લીકની ઘટનાને જો ગંભીરતાથી નહીં લેવાય અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓએ તૈયારી છોડી મેદાનમાં આવવાની ફરજ પડશે . જેની નોંધ લઇ આપ આ અંગે અમારી - સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની વેદનાને સમજી હાલની ઘટના પર અને ભવિષ્યની પરીક્ષાઓને લઇને યોગ્ય આયોજન કરશો તેવી વિનંતી કરવામાં આવી છે.

(12:02 am IST)