Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અમદાવાદમાં એક જ ઘરના બે ભાઈ અને દેરાણી જેઠાણી સામે છેતરપિંડીની ફરિયાદ

ઘરમાં રહેતા ચાર સભ્યોએ વેપારી પાસેથી ૭૨ લાખનો કાપડનો માલ સામાન ખરીદયો હતો અને તે પણ બે અલગ અલગ કંપનીના નામે

અમદાવાદ :નારોલ વિસ્તારમાં રહેતા વેપારીએ એક જ ઘરના બે ભાઈઓ અને દેરાણી જેઠાણી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો એક જ ઘરમાં રહેતા ચાર સભ્યોએ વેપારી પાસેથી ૭૨ લાખ રૂપિયાનો કાપડનો માલ સામાન ખરીદયો હતો અને તે પણ બે અલગ અલગ કંપનીના નામે.

સૌથી પહેલા 15 લાખ રૂપિયાનો કાપડનો સામાન ખરીદ્યો હતો વેપારીને વિશ્વાસ આવે તે માટે અને 15 લાખ રૂપિયા વેપારીને ચૂકતે કરી દીધા અને ત્યાર બાદ બીજા ૫૮ લાખ રૂપિયાનો માલ મંગાવી પૈસા ન ચૂકવી છેતરપિંડી આચરીને ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા છે.

 

નારોલ પોલીસે અરુણકુમાર ચૌધરી , મંજુદેવી અરુણ કુમાર ચૌધરી , રાજેશ ચૌધરી , અને ભાવના ચૌધરી સામે ફરિયાદ નોંધી તપાસ ચાલુ કરી હતી. તો વેપારીએ છેતરપીંડી થયા બાદ ફરિયાદ નોંધાવ્યા બાદ એક જ પરિવારના ચાર લોકોની શોધખોળ પોલીસે હાથ ધરી હતી.

પરંતુ ફરિયાદીને તપાસ યોગ્ય થતી ન હોવાનું લાગતા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી કે અન્ય કોઈ પોલીસ સ્ટેશનના અધિકારી આ સમગ્ર કેસની તપાસ કરે. અને તેને લઈને આ સમગ્ર કેસની તપાસ નારોલ પોલીસ પાસેથી લઈને વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ ચલાવી રહ્યા છે.

વટવા પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ સામે અગાઉ પણ છેતરપિંડીની બે થી ત્રણ અરજીઓ થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ તો પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ભાગેડુ આ ચારે ને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

(9:48 pm IST)