Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કલાની સાથે વિકાસ સાધ્ય કરવાનો ગર્વ છે :પદ્મશ્રી એવોર્ડ મેળવનાર બઉઆ દેવીના 25 વર્ષીય પૌત્ર ગોવિંદકુમાર ઝા

પરંપરાગત વ્યવસાય, પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકાસનો સમન્વય એટલે હુનર હાટ’ : ગોવિંદકુમાર ઝાએ 8 હુનર હાટ, 2 આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં ભાગ લીધો

અમદાવાદ :પરંપરાગત વ્યવસાય, પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકાસનો સમન્વય એટલે હુનર હાટ’. કલા-કૌશલ્યની સાથે જ પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેને જાળવવાનો સફળ પ્રયાસ કરી 2017 માં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર બઉઆ દેવીના 25 વર્ષીય પૌત્ર ગોવિંદકુમાર ઝા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘હુનર હાટ’ ના સ્ટોલ નં.203 નાં ધારક અને ‘મધુબની’ પેન્ટિંગ કરે છે. ગોવિંદકુમાર ઝા 8 હુનર હાટ અને 2 આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં સહભાગી થયા હતા.

મૂળ મિથલાંચલના રહેવાસી ગોવિંદકુમારે જણાવ્યું હતું કે, ‘પરિવારના 25 સદસ્યો સાથે મળીને વર્ષોથી દાદીની ચિત્રકારીથી પ્રેરિત થઈને પરંપરાગત વ્યવસાયમાં જોડાયા હતા. પૌરાણિક કથાનુસાર જાનકી (સીતા) ની જન્મભૂમિ જનકપૂરી આજે મિથલાંચલ તરીકે ઓળખાય છે. એ જ કારણે પેન્ટિંગ્સમાં પૌરાણિક કથાઓના પ્રસંગો, ભગવાન કૃષ્ણ, શિવ, રામ, દેવી સરસ્વતી, લક્ષ્મી પર આધારિત જોવા મળે છે. વનસ્પતિના પાનમાંથી તેમજ અન્ય નૈસર્ગિક પદાર્થોમાંથી તેજસ્વી રંગો બનાવી તેમનો ઉપયોગ પેન્ટિંગમાં કરવામાં આવે છે.’

પેન્ટિંગ્સને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાના સફરની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘મારી માતા નવિતા ઝાએ વર્ષ 1986 માં પ્રથમવાર સિક્કી ક્રાફ્ટ અને આંતરરાષ્ટ્રીય કલા મહોત્સવમાં મિથીલા પેન્ટિંગ્સને પ્રદર્શનમાં મૂકી હતી. બાળકોને અને મહિલાઓને આર્થિક રીતે સધ્ધર કરવા અને બાળકોમાં રહેલી કલાને પ્રોત્સાહન કરવાનાં હેતુ સાથે અનેક સામાજિક સંસ્થાઓ સાથે તેઓ સંલગ્ન થયા હતા. જે અંતર્ગત તેમણે બિહારના દરભંગા જિલ્લામાં ભગવતી SHG સંસ્થા દ્વારા તેમણે અશિક્ષિત મહિલાઓને સિક્કી ક્રાફ્ટ, સાડી,ટી-શર્ટ, દિવાલ મિથિલા પેન્ટિંગની તાલીમ આપી હતી.’

વોકલ ફોર લોકલ’ ને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે અલ્પસંખ્યક મંત્રાલયનો કાર્યક્રમ અમારા જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે. અમને કલાની સાથે વિકાસ સાધ્ય કરવાનો ગર્વ છે. પરંતુ માત્ર કલા થકી જીવન જીવવું કઠિન છે. જેનો અનુભવ અમને કોરોનાનાં કપરા સમયમાં થયો હતો. અમારા જેવા કલાકારો જે કલા થકી પોતાનું ગુજરાન ચલાવે છે.

તેમણે માટે આ સમય અત્યંત ખરાબ હતો કેમ કે પરિવારમાંથી કોઈપણ સભ્યને નોકરી કરવાનો અનુભવ ન હતો. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘મધુબની પેટિંગ્સવાલા માસ્ક’ નાગરિકોને ખરીદી કરવાની અપીલ કરતો પત્ર લખ્યો હતો. જ્યાર બાદ વડાપ્રધાન દ્વારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશના નાગરિકોને ‘મધુબની પેટિંગ્સવાલા માસ્ક’ ખરીદવાની અપીલ કરવામાં આવી હતી. જેના થકી અમારો વ્યવસાય પુન:સ્થાપિત થયો અને અમારા જેવા અનેક પરિવારોનું જીવન સરળ બન્યું છે. જેના માટે હું અને મારા જેવા અનેક કલાકારો સરકારના સંવેદનશીલ નિર્ણય અને યોજનાઓના આભારી છીએ.’

(9:35 pm IST)