Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આખરે રદ : ગેરરીતિ થયાનું ખુલ્યું

આંદોલન કરનાર પરીક્ષાર્થીઓના હિતમાં આખરે સરકારનો નિર્ણય : સીટ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ અહેવાલ સુપરત કરાયા પછી આખરે સરકારે નિર્ણય કર્યો : વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડીને અંતે કરાયેલી ઉજવણી

અમદાવાદ, તા.૧૬ : ભારે ચર્ચા જગાવનાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આજે આખરે રદ કરવામાં આવી હતી. આની સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો હતો. પરીક્ષા રદ કરવામાં આવ્યા બાદ આ પરીક્ષાની નવી તારીખ હવે ટૂંક સમયમાં જ જારી કરવામાં આવશે. ગેરરીતિની વ્યાપક ફરિયાદો થયા બાદ આખરે રિપોર્ટમાં ધ્યાન આપીને ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. સાથે સાથે કેટલાક કઠોર નિર્ણય પણ કર્યા હતા જેના ભાગરુપે દોષિત દેખાનાર વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ સુધી કોઇપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકશે નહીં. અત્રે નોંધનીય છે કે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ૧૭મી નવેમ્બરના દિવસે યોજાઈ હતી ત્યારબાદથી ગેરરીતિઓને લઇને ફરિયાદો થઇ રહી હતી. આ પરીક્ષા રદ કરવા માટેની માંગણી પણ વિદ્યાર્થીઓ તરફથી કરવામાં આવી હતી. આખરે આંદોલન કરનાર વિદ્યાર્થીઓની જીત થઇ છે.

          બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા રદ કરવા માટે ઉચ્ચસ્તરે રજૂઆત કરી હતી. આજે આખરે પરીક્ષાને રદ કરી દેવામાં આવી હતી. પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ થાય બાદ છ લાખથી વધુ ઉમેદવારોના આક્ષેપોને સીટ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યા હતા. પુરાવા તમામ પ્રમાણિક હોવાની વિગતો એફએસએલ દ્વારા પણ આપવામાં આવી હતી. ત્યારબાદ પરીક્ષા રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજીને પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થી આગેવાનો તરફથી પુરાવારુપે ૧૦થી વધુ મોબાઇલ, સીસીટીવી ફુટેજ આપ્યા હતા જેમાં એફએસએલ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. સીસીટીવીમાં વિદ્યાર્થીઓ એકબીજાને પુછીને અને ચાલુ પરીક્ષામાં જોઇને જવાબો લખતા જોવા મળ્યા હતા. જાડેજાએ કહ્યું હતું કે, આ પરીક્ષામાં ચોરી થઇ હોવાની બાબતમાં બનાસકાંઠા, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ચાર ફરિયાદો થઇ હતી.

        આ ઉપરાંત બીજા પણ પુરાવા મળ્યા હતા જેની તપાસ ચાલી રહી છે. જાડેજાએ ઉમેર્યું હતું કે, તપાસ દરમિયાન જે પણ ઉમેદવારે પરીક્ષામાં એકબીજાને પુછીને અથવા મોબાઇલમાંથી જોઇને અથવા તો અન્ય રીતે ચોરી કરીને જવાબો લખ્યા હોવાનું માલુમ પડશે તેમની સામે એફઆઈઆર કરવામાં આવશે. આવા તમામ ઉમેદવારો આગામી ત્રણ વર્ષ સુધી કોઇપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકશે નહીં. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર ફુટી ગયાના આક્ષેપો બાદ રાજ્યના પાંચ જિલ્લામાંથી ગેરરીતિની ૩૯થી વધુ ફરિયાદો થઇ હતી. પરીક્ષાઓના આગેવાનોએ પરીક્ષા રદ કરવાની માંગ સાથે સરકાર સાથે બેઠક યોજી હતી. સરકારને મોબાઇલ ફોન આપ્યા હતા. સીટ દ્વારા આ મામલામાં તમામ ફરિયાદો અંગે તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ સીટ તરફથી પરીક્ષાને રદ કરવાની ભલામણ કરાઈ હતી. એસઆઈટીના સુત્રોના કહેવા મુજબ તેઓએ ઉમેદવારો દ્વારા આપવામાં આવેલા સીસીટીવી ફુટેજ ક્લીકમાં ચકાસણી કરી હતી.

            આમા ખરાઈ કરવા માટે એફએસએલમાં ક્લીપ મોકલવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સરકારને અનેક પરીક્ષા કેન્દ્રો ઉપરથી વોટ્સએપ મારફતે પ્રશ્નપત્રનો ફોટો પાડીને મોકલ્યો હતો. મિનિટોમાં જ આ પ્રશ્નપત્ર વાયરલ થઇ ગયા હતા. એસઆઈટીએ આ બાબતમાં પણ તપાસ કરી હતી જે યોગ્ય સાબિત થઇ હતી. આ અગાઉ આ પરીક્ષા માટે ઉમેદવારની લાયકાત ધોરણ ૧૨ના બદલે સ્નાતક કરવાની રજૂઆત કરી હતી પરંતુ ભરતી માટે ધોરણ ૧૨ પાસની લાયકાત યથાવત રાખવામાં આવી હતી. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા સરકારે બીજી વખત રદ કરી છે.

પરીક્ષા બાદ પાંચ જિલ્લામાં ગેરરીતિની ફરિયાદો કરાઈ

પરીક્ષા અંગે ૩૯ ફરિયાદો થઇ હતી

અમદાવાદ, તા. ૧૬ : બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર ફુટી ગયા બાદ રાજ્યના પાંચ જિલ્લામાંથી ગેરરીતિની ૩૯થી વધુ ફરિયાદો આવી હતી. પરીક્ષાર્થીઓના આગેવાનોએ રાજ્ય સરકારને તપાસ માટે ૧૦ મોબાઇલ ફોન પણ આપ્યા હતા. આ તમામ મોબાઇલમાં પરીક્ષાનું પેપર ફુટ્યાના તેમજ ચાલુ પરીક્ષામાં ગેરરીતિઓ થતી હોવાના પુરાવા એકત્રિત કરાયા હતા. સીટ દ્વારા આ તમામ ફરિયાદો અંગે તપાસ કરવામાં આવી હતી. અંતે રાજ્ય સરકારને પરીક્ષા રદ કરવાની ભલામણ કરાઈ હતી. ૧૦થી વધુ મોબાઇલમાં તપાસ થઇ હતી. સીસીટીવીમાં પણ તપાસ કરવામાં આવી હતી. દોષિતો સામે કઠોર કાર્યવાહી કરવાના સંકેત મળી ચુક્યા છે. પેપર ફુટ્યાની વિગત ખુલ્યા બાદ રાજ્યભરમાંથી દેખાવો કરવામાં આવ્યા હતા. વ્યાપક આંદોલન બાદ આખરે આજે પરીક્ષાને રદ કરવામાં આવી છે.

(8:45 pm IST)