Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

લીંબડીયા પાસે ટ્રકની અડફેટે ખેડૂતનું મોત

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લાના હાઈવે માર્ગો ઉપર છેલ્લા થોડા સમયથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે ગઈકાલે ચિલોડા-નરોડા હાઈવે ઉપર લીંબડીયા પાસે ટ્રકની અડફેટે ખેડૂતનું મોત નીપજયું હતું. જ્યારે ફતેપુરા ત્રણ રસ્તા નજીક ટ્રકની ટકકરે બાઈક સવાર યુવાનનું મોત થયું છે. આ ઘટના અંગે ડભોડા અને પેથાપુર પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે. જિલ્લામાં હાઈવે માર્ગો ઉપર સતત વધી રહેલા અકસ્માતોને અટકાવવા પોલીસ મથી રહી છે ત્યારે અકસ્માતોનો સિલસિલો અટકતો નથી. ગઈકાલે સવારથી બપોર દરમ્યાન ગાંધીનગર શહેરમાં જ બે અલગ અલગ સ્થળોએ મહિલા શિક્ષિકા અને વૃધ્ધનું અકસ્માતમાં મોત થયું હતું ત્યારે અન્ય બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજયા છે.
જેની મળતી વિગતો પ્રમાણે મુળ કલોલના નારદીપુરના રહેવાસી એવા યુવાન મહેશ ચહેરાજી ઠાકોર ગાંધીનગરના ક-૭ પાસે પેટ્રોલ પંપમાં નોકરી પુર્ણ કરી ઘરે બાઈક ઉપર જઈ રહયો હતો ત્યારે ફતેપુરા ત્રણ રસ્તા નજીક ટ્રકની અડફેટે બાઈક આવી જતાં યુવાન મહેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. બીજી એક ઘટનામાં ચિલોડા નરોડા હાઈવે ઉપર લીંબડીયા ગામના ખેડૂત દશરથભાઈ ભલાભાઈ પટેલ રસ્તો ઓળંગી રહયા હતા ત્યારે નરોડા તરફથી આવતી ટ્રકની ટકકરે તેમનું ગંભીર  ઈજાઓના કારણે સ્થળ ઉપર મોત નીપજયું હતું. આ ઘટનાઓ અંગે પેથાપુર અને ડભોડા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. 

(6:33 pm IST)