Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ઈન્કમટેક્સના સ્વાંગમાં નડિયાદમાં ચેકિંગના બહાને બે ગઠિયા સોનાની વીંટી લઇ રફુચક્કર

નડીઆદ: શહેરના વાણીયાવડ પાસે આજે સવારના સુમારે સીનીયર સીટીઝનને બાઈક પર ઈન્કમટેક્સના સ્વાંગમાં આવી ચઢેલા બે ગઠિયાઓએ ચેકીંગના બહાને સોનાની વીંટીઓ કઢાવીને સિફતપૂર્વક સેરવી લઈ ફરાર થઈ જતાં આ અંગે નડીઆદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર નડીઆદ શહેરના કોલેજ રોડ ઉપર આવેલા વાણીયાવડ પાસેની સમરથ સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા બકુલચન્દ્ર મોહનલાલ શાહ (ઉ. વ. ૮૪)આજે સવારે નીત્યક્રમ મુજબ પોતાનું એક્ટીવા લઈને વલ્લભસદન હવેલીએ દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કર્યા બાદ દશેક વાગ્યાના સુમારે પરત જવા નીકળ્યા હતા. વાણીયાવડ પાસે મોબાઈલમાં રીચાર્જ કરાવ્યા બાદ એક્ટીવા પર ઘર તરફ જતા હતા ત્યારે સમરથ સોસાયટી તરફ જવાના રોડ ઉપર કશ્યપ એપાર્ટમેન્ટ નજીક પાછળથી બાઈક પર બે શખ્સો આવી ચઢ્યા હતા અને તેમનુ એક્ટીવા ઉભુ રખાવ્યું હતુ. ત્યારબાદ બન્ને શખ્સોએ પોતાની ઓળખ કસ્ટમ કર્મચારી તરીકે આપીને ડીકી ખોલાવડાવી હતી. જેથી બકુલચન્દ્રભાઈએ ડીકી ખોલતાં તેમાં કશુંય નહોતુ. જેથી હાથે પહેરેલી ૭૫ હજારની કિંમતની બે વીંટીઓ, પાકીટ, ઘડિયાળ વગેરે જોવા માંગ્યું હતુ. જે જોઈને બહુ કંઈ છે નહીં તેમ કહીને આ તમારી વસ્તુ છે, જે હવે ઘરે જઈને પહેરજો તેમ કરીને હાથ રૂમાલ કઢાવીને તેમાં બે સોનાની વીંટીઓ, પાકીટ અને ઘડિયાળ મુકાવી રૂમાલને ગાંઠ મારી એક્ટીવાની ડીકીમાં મુકાવી દીધું હતુ. ત્યારબાદ બન્ને જણાં ત્યાંથી બાઈક પર સવાર થઈને ફરાર થઈ ગયા હતા. બકુલચન્દ્રભાઈને તેઓની વાતો પર વિશ્વાસ ના બેસતાં તેમણે એક્ટીવાની ડીકી ખોલીને જોતાં રૂમાલમાં ઘડિયાળ અને પાકીટ હતુ પરંતુ બે સોનાની વીંટીઓ ગાયબ હતી. જેથી બન્ને શખ્સો જ સિફતપૂર્વક વીંટીઓ ચોરીને ફરાર થઈ ગયા હોવાનું લાગતા જ તેઓએ નડીઆદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો દાખલ કરીને બન્ને ગઠિયાઓના વર્ણન તેમજ આસપાસના સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

(6:30 pm IST)