Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ભીલોડમાં એક સાથે પાંચ દુકાનના તાળા તૂટ્યા

અરવલ્લી:  જિલ્લાનું ભિલોડા નગર અને તાલુકા મથક વિસ્તારમાં વધતા જતા ગુનાઓને લઈ તાલુકાવાસીઓ અસલામતી અનુભવી રહયા છે. ભિલોડા નગરમાં એક જ અઠવાડીયામાં બીજીવાર ત્રાટકેલા તસ્કરોએ મુખ્ય બજારમાં આવેલ મોબાઈલ સહિતની દુકાનો અને ઓટો શો રૃમ સહિત ના સ્થળોએ ગત રાત્રી દરમ્યાન ત્રાટકી એક સાથે પાંચ દુકાનોના તાળા તોડી નાખી ચોરી કરતાં ચકચાર મચી છે.નગરજનો માટે ભય પમાડે તેવી ઘટનામાં મોટી રકમ અને મુદ્દામાલ ચોરાયો હોવાની આશંકા વર્તાઈ રહી છે.પરંતુ રવિવારે મોડે સુધી આ તાળા તોડવાની ચકચારી ઘટના પ્રકરણે ફરીયાદ જ નહી નોંધાતાં ચોરીની રકમનો આંક જાણી શકાયો ન હતો.ભિલોડા સહિત પંથકમાં વધતા જતા ગુનાના ગ્રાફને લઈ પ્રજાજનો અસુરક્ષિત બન્યા છે.ભિલોડા નગરમાં એક જ અઠવાડીયા માં બીજીવાર બનેલી તસ્કરીની ઘટના બાદ પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે જ સવાલો ઉઠયા છે.ગત શનીવારની રાત્રે નગરમાં ઉતરી આવેલ તસ્કર ટોળકી એ ભિલોડાના કેશવ માર્કેટમાં આવેલ એક મોબાઈલ સહિત મટીરીયલ્સની દુકાન તેમજ આકાર કોમ્પલેક્ષમાં જુદીજુદી બે દુકાનો સહિત સીએનજી પંપના ઓટો શોરૃમ ના તાળાઓ તોડી હાહાકાર મચાવ્યો હતો.એક જ રાત્રીમાં એક સાથે પાંચ દુકાનોના તાળા તોડી ચોરી ના પ્રયાશની આ ઘટનાઓથી નગરજનો ફફડી ઉઠયા હતા.જોકે આ તસ્કરી ની ઘટના બાદ રવિવારે મોડે સુધી કોઈ ફરીયાદ નોંધાઈ ન હતી.પરંતુ તસ્કરો રોકડ સહિત મોટાપાયે મુદ્દામાલ ચોરી ગયા હોવાનું મનાઈ રહયું છે.ત્યારે ભિલોડા નગરમાં પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવાય અને પંથકમાં પૂરતા પ્રમાણ માં પોલીસ સ્ટાફ ફાળવી પ્રજાજનોને સુરક્ષા પુરી પડાય તેવી માંગ સેવાઈ રહી છે.

 

(6:30 pm IST)