Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

બનાસકાંઠાના વાવ પંથકમાં રાજસ્‍થાન તરફથી તીડના ઝુંડે આક્રમણ કરતા ખેડૂતના ખેતરમાં ઉભો પાક નષ્‍ટઃ બહેનનું મામેરૂ કરવાનું પણ મુશ્‍કેલ

બનાસકાંઠા :બનાસકાંઠાના વાવ પંથકમાં રાજસ્થાન તરફથી મોટી સંખ્યામાં તીડોએ આક્રમણ કર્યું છે. બનાસકાંઠાના વાવ પંથકમાં રાજસ્થાન તરફથી તીડે આક્રમણ કરતાં ખેડૂતોના ખેતરમાં ઉભેલો પાક નષ્ટ થઈ ગયો છે. તીડોના ઝુંડોએ વાવના 10 થી વધારે ગામોમાં ધામા નાખીને ખેડૂતોના પાકનો સફાયો કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તો બીજી તરફ, કારેલી ગામમાં જીરાના પાકનું વાવેતર કરતા ખેડૂતોનો જીરાનો પાક સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. ત્યારે મુશ્કેલીમાં મૂકાયેલા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યાં છે. રાજ્યના કૃષિ મંત્રીએ પણ ગઈકાલે આ વિસ્તારની મુલાકાત લઈને ખેડૂતોના નુકશાનનો તાગ મેળવીને તેમને હૈયાધારણ આપી છે. ત્યારે ખેડૂતો કહી રહ્યાં છે કે જો સરકાર જલ્દીથી સહાય નહિ આપે તો ખેડૂતો દેવાદાર થઈ જશે.

બહેનનું મામેરુ કરવાનું હતું...

કારેલી ગામમાં જીરુંના પાકને મોટું નુકસાન થયું છે. કારેલી ગામના ભરતભાઈ ગોસ્વામીએ દેવું કરીને મોંઘા બિયારણો લાવીને 50 વિઘામાં જીરુનું વાવેતર કર્યું હતું. પરંતુ તીડોએ આક્રમણ કરીને તેમના ખેતરમાં વાવેલા જીરાના પાકનો સંપૂર્ણપણે સફાયો કરી દેતા ભરતભાઈ ગોસ્વામી નામના ખેડૂતની હાલત કફોડી બની છે. ભરતભાઈનું કહેવું છે કે, તેમણે જીરાનું વાવેતર કરતા પહેલા અનેક સપનાઓ જોયા હતા. જીરાના પાકની જે ઉપજ થવાની હતી, તેમાં તેઓએ ઘર બનાવવાનું કામ કરવાનું હતું. તેમજ તેમની બહેનનું મામેરું પણ કરવાનું હતું. પણ તીડોના કારણે તેમનો પાક નષ્ટ થતાં તેમના ઉપર દેવું વધી ગયું છે. જો તેમને સરકાર તરફથી નુકસાનનું કોઈ વળતર નહિ મળે તો તેમની હાલત કફોડી બનશે અને તેમના ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની જશે.

ખેતી માટે ટ્રેક્ટર લાવવાનો વિચાર હતો, પણ...

તીડોએ આક્રમણ કરતાં બાલુત્રી ગામમાં એરંડાના પાકને મોટું નુકસાન થયું છે. બાલુત્રી ગામના ખેડૂત પ્રવિણસિંહ રાજપુતે દેવું કરીને મોંઘા બિયારણો લાવીને 15 વિઘામાં એરંડાનું વાવેતર કર્યું હતું. પરંતુ તીડોએ આક્રમણ કરીને તેમના ખેતરમાં વાવેલા એરંડાના પાકનો સંપૂર્ણપણે સફાયો કરી દેતા 10 લાખનું નુકસાન થતાં પ્રવિણસિંહની હાલત કફોડી બની છે. પ્રવિણસિંહનું કહેવું છે કે તેમને એરંડાનું વાવેતર કરતા પહેલા અનેક સપનાઓ જોયા હતા. તેમને એરંડાના પાકની ઉપજમાંથી પોતાના માટે ખેતરોમાં બોર બનાવવાનો હતો. ખેતી માટે ટ્રેકટર લાવવાનું હતું. તેમજ તેમના પુત્રના લગ્ન કરાવવાના હતા. પરંતુ તીડોના આક્રમણના કારણે તેમનો પાક નષ્ટ થતાં તેમના ઉપર દેવું વધી ગયું છે.

બનાસકાંઠાના વાવ પંથકમાં રાજસ્થાન તરફથી તીડે આક્રમણ કરીને કારેલી, ગામડી, ચોથાનેસડા, બાલુત્રી, ચંદનગઢ, રાબડી પાદર, સાબા, આકોલી, પાનેડા, મીઠાવીરાણા જેવા 10થી વધુ ગામોમાં ધામા નાંખ્યા છે. જેને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકનો સફાયો બોલાવ્યો હતો. પરંતુ હવે પવનની દિશા બદલાતા તીડો રણ તરફ જતા રહ્યા હોવાથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ ખેડૂતોને હજુ પણ ચિંતા છે કે જો પવનની દિશા ફરીથી બદલાય તો તીડ ફરીથી વાવ પંથકમાં આવી શકે તેમ છે.

(5:37 pm IST)