Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

વડોદરામાં 4 દિવસ પહેલા લાપતા થયેલ યુવતિની તિક્ષ્ણ હથિયાર વડે 7થી વધુ ઘા ઝીંકીને હત્‍યા

વડોદરા :વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ભણતી 20 વર્ષીય વિદ્યાર્થીનીની હત્યા અંગે પીએમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો. રિપોર્ટ મુજબ, ચાણસદમાં રહેતી ખુશ્બુ જાનીનિ હત્યા પ્રિ-પ્લાન સાથે કરવામાં આવી છે. તેના ગળા, માથા અને હાથ પર 7 થી વધુ તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા. તેમજ બોથડ પદાર્થના ફટકા પણ મારવામાં આવ્યા છે. હાલ પોલીસ શકમંદોને પકડી પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા પાસેના ચાણસદ ગામના તળાવમાંથી ખુશ્બુની લાશ કોથળામાં ભરેલી મળી આવી હતી.

જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો....

ખુશ્બુ જાનીના હત્યા મામલે જિલ્લા પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે. ખુશ્બુના પરિવારે 4 દિવસ પહેલા જ પાદરા પોલીસમાં ખુશ્બુના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે ખુશ્બુને શોધવામાં રસ ન દાખવ્યો હતો. તેમજ ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસમાં કોઈ રસ ન લીધો હતો. પાદરા પોલીસને જાણ હોવા છતાં માત્ર કાગળો પર જ તપાસ ચલાવી હતી. હવે વિદ્યાર્થીનીની હત્યા સામે આવ્યા બાદ અધિકારીઓ પાદરા દોડી ગયા છે.

તળાવમાંથી મળી ખુશ્બુની લાશ

ચાણસદ ગામના તળાવના કિનારે જ્યારે ખુશ્બુની લાશ મળી ત્યારે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે મોબાઈલ ફોનની ટોર્ચ અને બેટરીના અજવાળે લાશને બહાર કાઢવાની કામગીરી કરી હતી. સ્થાનિકોની મદદથી ખુશ્બુની લાશ ભરેલો કોથળો બહાર કાઢવામાં આવ્યો હતો. કાતિલે હત્યાનું એટલુ ફુલપ્રુફ બનાવ્યું હતું કે, તે કોથળા પરથી સમજી શકાય. પ્લાસ્ટિકનો કોથળો વાયરની મદદથી ટાઈટ બાંધવામાં આવ્યો હતો. કોથળો ખોલવામાં આવ્યો તો અંદર ખુશ્બુની લાશ ગોદડામાં લપેટાયેલી હાલતમાં હતી. ખુશ્બુના હાથ અને પગ પણ દોરીની મદદથી બાંધવામાં આવ્યા હતા. પોલીસને મૃતદેહની સાથે લાકડાનું થડ પણ મળ્યું હતું. ખુશ્બુના કપડા પરથી તેની ઓળખવિધિ થઈ હતી.

હવે પગ નીચે રેલો આવ્યા બાદ પોલીસ ખુશ્બુના હત્યારા શોધવા માટે દોડી રહી છે. વિદ્યાર્થીનીના સંબંધીઓ, આસપાસના ગ્રામજનો, તેના મિત્રોને પૂછીને તપાસ કરવામાં આવી રહી છે. તથા કેટલાક શકમંદોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

(5:34 pm IST)