Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

અન્ય રાજયોમાં ધારાસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે, ગુજરાતમાં શા માટે નહિ?

લોકોને ગૃહની કાર્યવાહી જોવા દયોઃ સ્પીકરને પરેશ ધાનાણીનો પત્ર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા ૧૬  :  વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાના અધ્યક્ષને પત્ર પાઠવી જણાવ્યું છે કે, વિધાનસભામાં ચુંટાયેલા પ્રતિનીધીઓ પોતાના મત વિસ્તાર કે રાજયના હિતમાં કેટલી અસરકારક રજુઆતો, ચર્ચાઓ કે માંગણીઓ કરે છે. તે જાણવાનો અને જોવાનો હક્ક રાજયના નાગરીકોને છે, થોડા વર્ષ પહેલાં સુધી ગુજરાત વિધાનસભામાં સરકારી અને ખાનગી ટી.વી. ચેનલ અને અખબારોના ફોટોગ્રાફરને કેમેરા સાથે પ્રવેશ આપવામાં આવતો હતો. તેમજ અંદાજપત્ર સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના ફલોર પર થોડા સમય માટે દરેક ખાનગી અને સરકારી ચેનલને પ્રોસીડીંગનું રેકોર્ડીંગ કરવા દેવામાં આવતું હતું. એટલુંજ નહી ગુજરાત વિધાનસભાની  દિવસભરની કાર્યવાહી રેકર્ડ કરી ટી.વી. પર પ્રસારિત કરી શકાય એ માટેની પણ જોગવાઇ હતી. ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય એવી દરખાસ્ત મુકાઇ ત્યારે આ દરખાસ્તને તે સમયના સિનિયર પ્રધાન, પૂર્વે અધ્યક્ષશ્રી અને ઉચ્ચ સંસદીય પ્રણાલીઓના જાણકાર સ્વર્ગસ્થશ્રી અશોકભાઇ ભટ્ટે સમર્થન આપ્યું હતું. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી જીવંત પ્રસારણ તો ઠીક પરંતુ ગુજરાત વિધાનસભાની કાર્યવાહીના કવરેજ માટે પણ  પત્રકારોને કેમેરા પણ લઇ જવા દેવામાં આવતા નથી, માત્ર 'લોકશાહીના ધબકારા' કાર્યક્રમમાં વિધાનસભાની કાર્યવાહી એડીટ કરીને બતાવવામાં આવે છે.

વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ અન્ય રાજયોમાં થાય છે તેવી રીતે ગુજરાતમાં પણ થાય તેવી વ્યવસ્થાના બદલે રાજયની વિધાનસભામાં થતી ચર્ચા, માંગણીઓ કે રજુઆતો પ્રજાએ ચુંટીને વિધાનસભા ગૃહમાં મોકલેલ પ્રતિનીધીઓ શું કરે છે તે નાગરીકો જોઇ ન શકે તે વ્યાજબી જણાતું નથી. તાજેતરમાં તો સુપ્રીમ કોર્ટે પણ ધારાસભ્યોનું સંખ્યાબળ ગણવાનું હોય ત્યારે જીવંત પ્રસારણ કરવાની ટકોર કરી છે.

જીવંત પ્રસારણ થવાથી પ્રજાના પ્રતિનીધીઓ પોતાની ફરજ અને નાગરીકોના પ્રશ્નો પર વધુ ગંભીરપણે વિચારીને રજુઆતો કરશે. નાગરીકોના પ્રશ્નો પ્રત્યે વધુ ગંભીર બનશે, તેના કારણે વિધાનસભામાં ચર્ચાનું સ્તર ઉચ્ચ કક્ષાનું થશે તે બાબતે કોઇ શંકા નથી. ગુજરાત અને ગુજરાતીઓ સંસદીય પ્રણાલીઓ અને ઇતિહાસ રચવા માટે આગવી ઓળખ ધરાવે છે. ત્યારે ટેકનોલોજી અને સોશ્યલ મીડીયાના યુગમાં લોકસભા રાજયસભા, રાજયસભા અને અન્ય રાજયો જેવા કે મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડની જેમ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલના ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું છે.

(3:31 pm IST)