Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

છેલ્લા ૩ દિવસથી ગુમ થયેલી વિદ્યાર્થીનીની લાશ મળી આવી

એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીની હત્યા કરાઈ : ૨૦ વર્ષીય વિદ્યાર્થીનીના માથા અને શરીરના અન્ય ભાગે ઇજાઓ : રહસ્યમય સંજોગોમાં હત્યાને લઇ ભારે ચકચાર

અમદાવાદ, તા.૧૫  : વડોદરાના પાદરા તાલુકાના ચાણસદ ગામમાં રહેતી અને એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય વિદ્યાર્થીની ખુશ્બુ જાની છેલ્લા ત્રણ દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થઇ હતી. જો કે, ગઇકાલે શનિવારે મોડી રાત્રે ચાણસદ નજીકના તળાવમાંથી ગુમ થયેલી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી વાત તો એ હતી કે, વિદ્યાર્થીનીની ઠંડા કલેજે હત્યા કરી પ્લાસ્ટીકના મીણીયામાં લપેટી તેની લાશ તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી રહસ્યમય સંજોગોમાં યુવતીની કરાયેલી હત્યાના કેસનો ભેદ ઉકેલવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ચાણસદ ગામના લીમડીવાળા ફળીયામાં રહેતી ૨૦ વર્ષીય ખુશ્બુ અશ્વિનભાઇ જાની એમ.એસ.યુનિ.માં ટીવાય બી.કોમમાં અભ્યાસ કરતી હતી. ત્રણ દિવસ પહેલા ખુશ્બુ ભેદી સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી.

               ખુશ્બુની દરેક જગ્યાએ તેના પરિવારજનોએ શોધખોળ કરી પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો નહતો, જેથી આખરે પરિવારે પાદરા પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસે ગુમ થયેલી વિદ્યાર્થીનીની જાણવાજોગ અરજી સ્વીકારી લીધી પરંતુ કાર્યવાહીના નામે કોઇ અસરકારક તપાસ હાથ ધરી ન હતી, બીજીબાજુ, ગઇકાલે શનિવારે મોડી રાત્રે ચાણસદ ગામની બ્લેક હેવન નામની સ્કીમ પાસેના તળાવમાંથી ભારે દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તળાવમાંથી પ્લાસ્ટીકનું મીણીયું બહાર કાઢ્યું હતું.

            પ્લાસ્ટીકનું મીણીયું વાયરથી બાંધેલું હતું. જેથી વાયર કાપી પ્લાસ્ટીક ખોલીને જોતા પોલીસ ચોંકી ઉઠી હતી. કારણ કે, આ લાશ ગુમ થયેલી વિદ્યાર્થીની ખુશ્બુની હતી. ખુશ્બુની ઠંડા કલેજે હત્યા કરી તેના હાથ અને પગ દોરડા વડે બાંધેલા હતા તેમજ ખુશ્બુના માથા અને શરીરના અન્ય ભાગે ઇજા હોવાનુ પણ સામે આવ્યું હતું. ડી-કમ્પોઝ થઇ ગયેલા મૃતદેહને વડોદરા સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. પાદરા પોલીસે રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા ડોગસ્કવોડ અને એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ હાથ ધરી છે.

(9:46 pm IST)