Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

અભિનેત્રી પાયલ રોહતાગીની અટકાયત થઈ : વાંધાજનક ટિપ્પણી કરી

નેહરુ અને મોતીલાલ મામલે ટિપ્પણી ભારે પડી : મોતીલાલ-જવાહરલાલ નહેરુ પર વિડિયો બનાવવા બદલ ધરપકડ થઇ : પાયલ રોહતાગીની ધરપકડના સમાચારથી ચકચાર

અમદાવાદ, તા.૧૫ : મોડલ અને બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી પાયલ રોહતાગીની ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. રાજસ્થાન પોલીસે અમદાવાદમાંથી આજે સવારે તેની ધરપકડ કરી હતી. તેની પુછપરછ કરવામાં આવી રહી છે. રાજસ્થાન પોલીસે બોલીવુડ એકટ્રેસ અને ફિલ્મોમાં આઈટમ ગર્લ તરીકે ફેમસ એવી પાયલ રોહતગીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. પાયલ રોહતગીની જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી અંગે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા મામલે ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પાયલ રોહતગીની ટીમે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. રાજસ્થાનના બુંદીના પોલીસ અધિકારી લોકેન્દ્ર પાલીવાલના નેતૃત્વમાં એક ટીમ શુક્રવારે અમદાવાદ પહોંચી હતી. પોલીસે ત્રણ દિવસ સુધી શહેરમાં ધામા નાખ્યા હતા અને આખરે પાયલની ધરપકડ કરી હતી. જો કે, આ મામલે પાયલે બુંદીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, તેમછતાં તે પહેલાં જ તેની ધપરકડ થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી.

                બીજીબાજુ, પોલીસ કાર્યવાહીથી નારાજ પાયલે પોતાના ટ્વિટર હેન્ડલર પર લખ્યું કે, ગૂગલમાંથી માહિતી લઈને મોતીલાલ નેહરૂ પર વીડિયો બનાવવા મામલે રાજસ્થાન પોલીસ દ્વારા મારી ધરપકડ કરવામાં આવી છે. ફ્રીડમ ઓફ સ્પીચ જોક છે. પાયલ રોહતગીની ધરપકડ થયા બાદ ટ્વિટ પર પાયલ રોહતગીના સમર્થકો અને વિરોધીઓ સામ સામે આવી ગયા હતા. પાયલ તરફથી પૂર્વ પબ્લીક પ્રોસીક્યુટર ભૂપેન્દ્ર સહાય સક્સેનાએ આગોતરા જામીન અરજી કરી હતી. જેના પર ગત શુક્રવારે કોર્ટ સુનાવણી હાથ ધરવાની હતી. જો કે તે સુનાવણી થઈ શકી નહોતી. હવે આ મામલે સોમવારે સુનાવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પાયલ રોહતગીએ સ્વતંત્રતા સેનાની પંડિત મોતીલાલ નેહરુ પરિવારની મહિલાઓ અને પૂર્વ વડાપ્રધાનો જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પર વાંધાજનક ટીપ્પણી કરી હતી.

            જેને પગલે યુવા કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ ચર્મેશ શર્માએ ગત તા.૧૦ ઓક્ટોબરના રોજ આઈટી એક્ટ હેઠળ કલમ ૬૬-૬૭ હેઠળ કેસ દાખલ કર્યો હતો. નોંધનીય છે કે, તા.૧૦ નવેમ્બર, ૧૯૮૪ના રોજ હૈદરાબાદમાં જન્મેલી પાયલ અમદાવાદમાં મોટી થઈ છે. પાયલ અમદાવાદમાં જ રહીને ભણી છે અને તેણીએ એલડી એન્જિનિયરિંગમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ફ્રેન્ડ્સના કહેવાથી તેણે મિસ ઈન્ડિયામાં ભાગ લીધો અને તેની મુંબઈ સફર શરૂ થઈ હતી. બોલીવુડની ઘણી ફિલ્મોમાં તે કામ કરી ચૂકી છે પરંતુ આઇટમ ગર્લ તરીકે પાયલે બોલીવુડમાં ખાસ્સી લોકપ્રિયતા હાંસલ કરી હતી.

પાયલની ધરપકડ.......

*       મોડલ અને બોલીવુડ અભિનેત્રી પાયલની ધરપકડ

*       અમદાવાદમાં આવીને રાજસ્થાન પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવાઈ

*       પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને તેમના પિતા મોતીલાલ નહેરુ અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી

*       ગુગલ મારફતે માહિતી એકત્રિત કરાઈ હતી

*       પાયલની સામે આઈટી એક્ટની કલમ ૬૬ અને ૬૭ હેઠળ કેસ દાખલ કરાયો હતો

*       કોંગ્રેસ પરિવાર ત્રિપલ તલાકની સામે છે. કારણ કે મોતીલાલ નહેરુની પાંચ પત્નિઓ હતી તેવી વાત પાયલે કરી હતી

(9:42 pm IST)
  • અમદાવાદની જુની વાડીલાલ સારાભાઇ(vs)હોસ્પિટલ તોડવા પર સ્ટેઃ વધુ સુનાવણી શુક્રવારેઃ હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો access_time 11:38 am IST

  • નાગરિકતા કાયદાના વિરોધમાં જામિયા બાદ અલીગઢ મુસ્લિમ યુનિ,માં હિંસક પ્રદર્શન : ભારે પથ્થરમારો : ગોળીબાર : અનેક પોલીસકર્મીઓ ઘાયલ : પાંચમી જાન્યુઆરી સુધી વિશ્વ વિદ્યાલય બંધ access_time 12:27 am IST

  • રાજયના મહેસુલ કર્મચારી ની હડતાલ સમેટાઇઃ રાજય સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધીઃ ટુંક સમયમાં કલાર્ક અને નાયબ મામલતદારોને પ્રમોશનઃ ખાલી જગ્યાઓ તુરત ભરાશેઃ રેવન્યુ તલાટીઓને પંચાયતમાં મોકલવા અંગે પણ ઝડપથી નિર્ણયઃ કાલથી તમામ કલેકટર મહેશુલી કચેરીઓ ધમધમતી થશેઃ રાહતનો શ્વાસ લેવા અધિકારી access_time 4:24 pm IST