Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

આજથી ધનુર્માસનો પ્રારંભ:14 જાન્યુ. સુધી લગ્ન જેવા શુભ કાર્યો વર્જિત:સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ

શાસ્ત્રોમાં ધનુર્માસને ધર્મથી ધબકતો માસ કહેવાયો : ભજન-કિર્તન અને દાન- ધર્મ કરવાનો અનેરો મહિમા

અમદાવાદ: ગુજરાતી કેલેન્ડર મુજબ તા.૧૬મી ડિસેમ્બરને આજથી ધનુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે.જેના કારણે આજથી એક મહિના સુધી લગ્ન સહિ‌તના તમામ શુભ કાર્યો વર્જીત થઈ જશે. આવા શુભ કાર્યો આગામી તા. ૧૪મી જાન્યુઆરી સુધી બંધ રહેશે.

  જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય આજથી ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. સૂર્યના ધન રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ ધનુર્માસનો પ્રારંભ થઇ જશે. આ ધનુર્માસ આગામી 14 જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે.

  આથી ધાનુંર્માંસની સમાપ્તિ થાય ત્યાં સુધી જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગ્ન, વાસ્તુ વગેરે જેવા શુભ કાર્યો થઈ શકશે નહીં, જેના કારણે આવા શુભ કાર્યો પર રોક લાગશે. હિંદુ શાસ્ત્રોમાં ધનુર્માસને ધર્મથી ધબકતો માસ કહેવામાં આવ્યો છે અને આ માસ દરમિયાન ભજન-કિર્તન તેમજ દાન- ધર્મ કરવાનો અનેરો મહિમા છે.

ધર્મના વિશેષજ્ઞ અને જાણકારોના જણાવ્યા મુજબ ધનુર્માસ દરમિયાન જ મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું હતું. ધનુર્માસ ચાલુ હોય ત્યારે ચંદ્રમાસ માર્ગશીર્ષ ચાલુ હોય છે. અદિતીથી બાર આદિત્ય ઉત્પન્ન થયા છે, તેમાં ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુના નામથી તપે છે અને તે સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જેના કારણે ધનુર્માસનું હિંદુ શાસ્ત્રોમાં ખૂબ જ વર્ણન છે. ધનુર્માસમાં ભગવાનનું ધ્યાન પૂજન કીર્તન કરવામાં આવે છે. જેના કારણે દેવ મંદિરો આ માસ દરમિયાન ભક્તિભાવથી ગૂંજી ઉઠે છે.

ધનુર્માસ અંગે સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ધનુર્માસમાં લગ્ન, મકાન-ઓફિસના ઉદ્ઘાટન, શિલાન્યાસ વગેરે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આવું નહિ કરવા પાછળનું કારણ એવું છે કે, પૂર્વ દિશા સૂર્યની છે, પશ્વિમ દિશા સૂર્યના વિરોધી એવા શનિની છે. ધન રાશિ પશ્વિમ દિશામાં આવેલી છે અને ત્યાંથી સૂર્ય શનિના અક્ષમાં જાય છે. તેના કારણે સૂર્યના કિરણો અતિવક્ર પડતા હોવાથી આ સમયમાં માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.

(11:09 pm IST)