Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

સુરતના ભેસાણ રોડ પર કારમાંથી 3,85 કરોડની જૂની ચલણી નોટના જથ્થા સાથે યુવક ઝડપાયો

સુરત :શહેરના ભેંસાણ રોડ પર બ્લેક કલરની મર્સિડીઝ કારમાંથી 3.85 કરોડની રદ કરાયેલી ચલણી નોટોના જથ્થા સાથે એક યુવકને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે આ યુવકને લકઝુરિયસ કાર તેમજ રદ કરાયેલી ચલણી નોટોના જથ્થા સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000ની ચલણી નોટોને બંધ કરી દેવામાં આવી છે તેને બે વર્ષ થઈ ગયા છતાં પણ રાજ્યમાંથી જૂની રદ કરાયેલી ચલણી નોટો પકડાવાના બનવો બનતા રહે છે.

આ મામલે પ્રાપ્ત માહિતી મુજબ સુરતની રાંદેર પોલીસને બાતમી મળી હતી કે, એક બ્લેક કલરની મર્સિડિઝ કારમાં કરોડો રૂપિયાની રદ થયેલી ચલણી નોટો સુરત શહેરમાં આવવાની છે. આ બાતમીના આધારે રાંદેર પોલીસ દ્વારા ભેસાણ રોડ ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી.

પોલીસને મળેલી બાતમી મુજબ ભેસાણ રોડ ઉપરથી બ્લેક કલરની મહારાષ્ટ્ર પાસિંગવાળી એક મર્સિડિઝ કાર પસાર થતી જોવા મળી હતી. જેથી પોલીસ દ્વારા આ કારને રોકવામાં આવી હતી અને તેની તલાશી લેવામાં આવી હતી.

આ તલાશી દરમિયાન કારમાંથી 3.85 કરોડ રૂપિયાની રદ થયેલી ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે આ રદ થયેલી ચલણી નોટોના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો.

આ મામલે રાંદેર પોલીસ દ્વારા આ નોટોને જપ્ત કરીને કાર ચાલક યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત રાંદેર પોલીસ દ્વારા આ મામલા અંગે ઈન્કમટેક્ષ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

(9:30 am IST)