Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

બુલેટ ટ્રેનને આવકારવા ગુજરાત સજ્જ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રેલવે વિશ્વ વિદ્યાલયનું લોકાર્પણ

અમદાવાદ, તા.૧૫: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે કહ્યું હતું કે બુલેટ ટ્રેન અને હાઈ સ્પીડ રેલવે સેવાઓને આવકારવા માટે ગુજરાત સંપૂર્ણપણે સજ્જ છે. આ પ્રોજેક્ટ સાકાર કરવામાં રાજ્ય સરકાર તમામ પ્રકારે પીઠબળ આપશે. વડાપ્રધાનના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં બદલાવ થઈ રહ્યા છે. એક અભિનવ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય રેલવે અને પરિવહન સંસ્થાનું આજે લોકાર્પણ કરાયું હતું. દેશની સર્વપ્રથમ રેલવે વિશ્વ વિદ્યાલયનું લોકાર્પણ કરાયું ત્યારે તેમણે કહ્યું હતું કે વડોદરા અદ્યતન રેલ સેવાઓ અને રેલવે પ્રશિક્ષણ સંસ્થાનું હબ બનવા તરફ અગ્રેસર છે. આ પ્રસંગે રેલવે મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય રેલવેમાં અઢી ગણુ મૂડીરોકાણ થયું હોવાનો દાવો ગોયલે કર્યો હતો. વડોદરા બુલેટ ટ્રેન અને હાઈ સ્પીડ રેલવેનું પણ સ્ટેશન બનશે. વડોદરામાં રેલવે યુનિવર્સિટીની અને બુલેટ ટ્રેન માટે જરૂરી માનવ સંપદાના ઘડતરની પ્રશિક્ષણ સંસ્થાઓની સ્થાપના થવાની છે. ગુજરાત સરકારે રેલવે યુનિવર્સિટી માટે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ૮૦ એકર જમીન ફાળવી છે.

(11:29 am IST)