Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

કાંકરિયા લેકફ્રન્ટમાં ઇલેક્ટ્રિક કારનું નવુ આકર્ષણ ઉમેરાયું છે

તા.૨૫મી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત : દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્નિવલમાં લાખોની સંખ્યામાં માનવમહેરામણ મનોરંજન, આનંદ-પ્રમોદ માટે ઉમટશે

અમદાવાદ, તા.૧૫ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કાંકરિયા લેકફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કાંકરિયા તળાવને ભવ્ય બનાવ્યા બાદ ગત તા.ર જાન્યુુઆરી, ર૦૦૯થી નાગરિકોના મનોરંજન અને મોજ-મસ્તી માટે કાંકરિયા કાર્નિવલનું નજરાણું ખુલ્લંુ મુકાયું હતું. આ વખતે પણ તા.૨૫થી તા.૩૧ ડિસેમ્બર દરમ્યાન કાંકરિયા કાર્નિવલની ભવ્ય ઉજવણી થવા જઇ રહી છે ત્યારે આ વખતે સાહેલાણીઓ અને પ્રવાસીઓ માટે ખાસ કરીને મહિલાઓ-બાળકો માટે ઇલેક્ટ્રીક કારનું નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. જેને લઇ કાંકરિયા કાર્નિવલ દરમ્યાન છ બેઠક ધરાવતી ઇલેક્ટ્રીકટ કાર કાંકરિયા લેકફ્રન્ટના રસ્તાઓ પર દોડતી જોવા મળશે. પ્રવાસીઓ તેમાં બેસીને સફરની મોજ-મસ્તી માણી શકશે. વર્ષ ર૦૦૮માં પ્રથમ કાંકરિયા કાર્નિવલનું આયોજન સફળતાપૂર્વક કરનાર તત્કાલીન મેયર અસિત વોરા અને તત્કાલીન કમિશનર ઓ.પી. ગૌતમ દ્વારા પ્રતિવર્ષ તા.રપથી ૩૧ ડિસેમ્બર સુધી કાર્નિવલ યોજવાની પરંપરા શરૂ કરાઇ હતી. હવે તો આ કાર્નિવલ લોકોત્સવ બન્યો હોઇ તેનો આનંદ માણવા લાખો સહેલાાણીઓ ઊમટી પડે છે. પ્રત્યેક કાર્નિવલમાં તંત્ર દ્વારા નવાં આકર્ષણનો ઉમેરો કરાતો હોઇ આગામી તા.રપથી ૩૧ ડિસેમ્બર ર૦૧૮ સુધી યોજાનારા અગિયારમા કાંકરિયા કાર્નિવલ દરમિયાન છ બેઠક ધરાવતી છ ઇલેક્ટ્રિક કારનું નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. આ કાર્નિવલમાં સહેલાણીઓ માટે છ ઇલેક્ટ્રિક કાર કાંકરિયા ખાતે દોડતી જોવા મળશે. જેમાં અમ્યુકો સત્તાવાળાઓ ઇલેક્ટ્રિક કારનો પ્રોજેકટ પીપીપી ધોરણે અમલમાં મૂકી રહ્યા છે. કાંકરિયા તળાવનો ઘેરાવો આશરે ર.ર કિ.મી.નો હોઇ ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે તળાવ ફરતે આવેલા મિની ટ્રેન, કિડસ સિટી, એમ્યુઝમેન્ટ પાર્ક જેવા સ્થાયી આકર્ષણોની મુલાકાત લેવી મુશ્કેલ બને છે, જેના કારણે સામાન્ય દિવસોમાં ઊમટતા ૮થી ૧૦ હજાર સહેલાણીઓ પણ ઇચ્છા હોવા છતાં આ તમામ સ્થળોએ જઇ શકતા નથી. પરંતુ હવે તંત્રે ઇલેક્ટ્રિક કાર માટે પાંચ જંકશન નક્કી કર્યાં છે. બાલવાટિકા, પ્રાણીસંગ્રહાલય, બટરફલાયપાર્ક, નોકટરનલ ઝૂ અને કિડ્સ સિટી એમ કુલ પાંચ જંક્શન પર મુકાનારી ઇલેક્ટ્રિક કારમાં બેસીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો વગેરે બીજા જંક્શન પર જઇ શકશે. આ માટે અંતર મુજબ રૂ.૧૦, ૧પ અને મહત્તમ રૂ.૩૦ સુધીનું ભાડું ચૂકવવું પડશે. કિડ્સ સિટીની સામે નગીનાવાડી હોઇ તેનો જંકશનમાં સમાવેશ કરાયો નથી જ્યારે મિની ટ્રેન ખાતે જંકશન ઊભું કરવાની બાબત તંત્રની વિચારણા હેઠળ છે. પીપીપી ધોરણે આ પ્રોજેકટને અમલમાં મૂકનારી ખાનગી કંપની સ્વખર્ચે રૂ.૧૦ લાખની કિંમતની એક એવી છ ઇલેક્ટ્રિક કાર દોડતી કરશે અને મ્યુનિસિપલ સત્તાવાળાઓને ભાડાની કુલ આવકમાં પ૯ ટકાનો હિસ્સો મળશે. સહેલાણીઓ માટે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે પુષ્પકુંજ, ફૂટબોલ ગ્રાઉન્ડ, વ્યાયામ મંદિર, દેડકી ગાર્ડન, બાલવાટિકા, એમ્યુઝમેન્ટપાર્ક, નગીનાવાડી અને કિડ્સસિટી એમ આઠ પ્રવેશદ્વાર હોઇ સત્તાધીશોને સૌથી વધુ આવક પ્રવેશ ફી અને મિની ટ્રેનની થાય છે, તેમાં ઇલેક્ટ્રિક કારની આવકનો વધારો થશે.

 

 

(8:13 pm IST)