Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

વેક્સિનના બંને ડોઝ ન લેનારા કર્મીને પગાર નહીં અપાય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય : વેક્સિન બીજો ડોઝ ન લીધો હોય તો તેમને નવેમ્બર માસનો પગાર નહીં મળે તેવો સ્પષ્ટ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો

અમદાવાદ , તા.૧૬ : રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ ફરીથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સંક્રમણ સામે એકમાત્ર અસરકારક વેક્સીન જ છે. જેથી સરકાર દ્વારા વધુમાં વધુ લોકોને વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના જ કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય કર્યો છે, જે મુજબ જે કર્મચારીએ વેક્સિનના બંને ડોઝ નહીં લીધા હોય તેમને પગાર નહીં મળે.

ટીવી રિપોર્ટ અનુસાર કોર્પોરેશનના જે કર્મચારીઓ, અધિકારીઓએ વેક્સિન નહીં લીધી હોય તેમને પગાર ચૂકવવામાં નહીં આવે. વેક્સિન બીજો ડોઝ ન લીધો હોય તો તેમને નવેમ્બર માસનો પગાર નહીં મળે તેવો સ્પષ્ટ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે.

જેના માટે તમામ કર્મચારીઓના પગાર બાબતે તમામ બિલ ક્લાર્ક અને કર્મચારીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાની ખાતરી કરવાની રહેશે. કોર્પોરેશને કર્મચારીઓ માટે ફરજિયાત કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા આવ શ્યક હોવાનું જણાવવામાં આવ્યું છે.

ઉપરાંત શહેરના તમામ ઝોનમાં એવી પણ સૂચના આપવામાં આવી છે કે, વેક્સીન મહાઅભિયાન હેઠળ અધિકારી- કર્મચારીઓએ રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત છે.

એટલું જ નહી પણ અધિકારી-કર્મચારીએ રસી લીધાના બંને ડોઝનું સર્ટિફિકેટ સંબંધિત વિભાગના એચઓડી સમક્ષ રજૂ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિ. દ્વારા અગાઉ મ્યુનિ. કચેરીઓ, જાહેર પરિવહન એએમટીએસ - બીઆરટીએસ, ગાર્ડન સહિતની જગ્યાઓ પર વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોય તેવા તમામને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

 રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૯ કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૧૫ કેસ નોંધાયા છે.

અન્ય શહેરોના આંકડા પર નજર કરીએ તો, વડોદરામાં ૪ જ્યારે વલસાડમાં ૫, સુરતમાં ૨ અને જામનગર અને ખેડામાં ૧-૧ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના ચેપ ગ્રસ્તોને શોધવા માટે હવે મહાનગરો, નગરોમાં વ્યાપક રીતે ટેસ્ટિંગ શરુ કરવાની તૈયારીઓ આરોગ્ય વિભાગે શરૂ કરી દીધી છે.

(8:57 pm IST)