Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ગાંધીનગર:રાયપુર નજીક કેનાલના બ્રિજ પાસે મોપેડ સ્લીપ થઇ જતા વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે દહેગામ-નરોડા હાઈવે      ઉપર રાયપુર ગામ પાસે નર્મદા કેનાલના બ્રીજ ઉપર મોપેડ સ્લીપ થઈ જતાં કપડવંજના મોટી ઝેર ગામના વૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.

ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે નાના મોટા અકસ્માતમાં મૃત્યુ આંક પણ વધ્યો છે. હાઈવે માર્ગો ઉપર હીટ એન્ડ રનની ઘટનાઓની સાથે વાહનચાલકોની બેદરકારીના કારણે પણ અકસ્માત વધ્યા છે. દહેગામ-નરોડા હાઈવે ઉપર વધુ એક અકસ્માતમાં કપડવંજના મોટી ઝેર ગામના વૃધ્ધનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મોટી ઝેર ગામે નાના વાણીયા વાડમાં રહેતાં ૬૫ મહેશભાઈ પ્રાણશંકર પંડયા મોપેડ નં.જીજે-૦૭-સીએફ-૪૮૨૧ લઈને અમદાવાદ લાંભા ખાતે તેમના પુત્રના ઘરે જઈ રહયા હતા તે દરમ્યાન દહેગામ નરોડા હાઈવે ઉપર રાયપુર ગામ પાસે નર્મદા કેનાલ બ્રીજના ઢાળ ઉપર મોપેડ સ્લીપ ખાઈ જતાં મહેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જયાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં ગઈકાલે તેમનું મોત નીપજયું હતું. આ અકસ્માતની ઘટનામાં ડભોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. 

 

(6:31 pm IST)