Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ગાંધીનગરમાં ફેશન ડિઝાઈનરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.80 લાખના દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં દિવાળી બાદ બંધ મકાનોને તસ્કરો નિશાન બનાવતાં હોય છે ત્યારે અમિયાપુરના નેમેશ્વરપાર્ક સોસાયટીમાં ફેશન ડીઝાઈનરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી ૧.૮૦ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. ગઈકાલે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે ચોરીનો અંદાજ આવ્યો હતો. આ મામલે અડાલજ પોલીસમાં જાણ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૃ કરી છે.   

શિયાળાની ઠંડીની શરૃઆત થઈ ગઈ છે ત્યારે ગાંધીનગરમાં તસ્કરોએ પણ પગપેસારો કર્યો છે. ખાસ કરીને રાત્રીના સમયે બંધ મકાનોને આ ટોળકી નિશાન બનાવી રહી છે. શહેર નજીક આવેલા અમિયાપુર ગામની નેમેશ્વરપાર્ક સોસાયટીમાં રહેતા અને ફેશન ડીઝાઈનીંગનું કામ કરતાં રાજેશભાઈ સુરેન્દ્રપ્રસાદ ગુપ્તા ગત તા.૧ નવેમ્બરે તેમનું મકાન બંધ કરીને પરિવાર સાથે આંદામાન નિકોબાર ફરવા માટે ગયા હતા. આ દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનમાંથી સોનાચાંદીના દાગીના અને ચલણી નોટો મળી ૧.૮૦ લાખની મત્તા ચોરી લીધી હતી. ગઈકાલે સાંજના સમયે પરિવાર ઘરે આવ્યો ત્યારે મકાનના મુખ્ય દરવાજો તુટેલો હતો. જેથી અંદર જઈને તપાસ કરતાં માલસામાન વેરવિખેર હતો. કબાટ અને લોખંડની તિજોરીમાંથી દાગીના ચોરાયા હતા. જેથી આ મામલે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને એફએસએલની મદદથી તસ્કરોને પકડવા દોડધામ શરૃ કરી હતી. દિવાળી પર્વ દરમ્યાન ગાંધીનગર શહેર અને આસપાસના વીસ્તારોમાં વધેલી ઘરફોડ ચોરીઓ કોઈ ચોકકસ ટોળકી અંજામ આપી રહી હોય તેમ લાગી રહયું છે. જેને પકડવા માટે પોલીસે રાત્રી પેટ્રોલીંગ વધારવું પડશે. 

(6:31 pm IST)