Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં ઘરફોડ ચોરીના ગુનાહમાં પોલીસે ત્રણ સાગરીતોને ઝડપી પાડયા

અરવલ્લી:જિલ્લાના ભિલોડા પંથકમાં વાંકાનેર અને ધોલવાણી ગામે ધાડનો અને અન્ય બે વિસ્તારોમાં ઘરફોડના ગુનાઓને અંજામ આપનાર તસ્કર ગેંગના ૩ સાગરીતોને ઝડપી લેવાતાં ચકચારી ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.

અરવલ્લી એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હયુમન ઈન્ટેલીજન્સની મદદથી ઘરફોડ કરવાની મોડેસ ઓપરેન્ડીસ ધરાવતા આ ઈસમોને શંકાના આધારે ઝડપી લેતાં આ આરોપીઓએ ધાડ અને ઘરફોડના ૪ ગુના આચર્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧૩૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી અન્ય ૪ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ,ધાડ સહિતના ગુનાઓ વકર્યા છે. જિલ્લા પોલીસવડા સંજય ખરાત દ્વારા આવા ગુનાઓ આચરી નાસતાફરતા આરોપીઓને ઝડપી લેવા સઘન ચેકીંગ હાથ ધરવાના આદેશો આપ્યા હતા.પરીણામે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વ્યાપક ચેકીંગ હાથ ધરાયું હતું.જુદીજુદી ટીમો દ્વારા પંથકમાં હાથ ધરાયેલ વ્યાપક તપાસણી દરમ્યાન ઘરફોડ કરવાની એક જ પ્રકારની મોડેસ ઓપરેન્ડીસ ધરાવતા ઈસમો ઉપર બાજ નજર રખાઈ હતી.દરમ્યાન ભિલોડાના ગોવિંદનગર ખાતેથી શંકાસ્પદ ૩ ઈસમોને છાપો મારી ઝડપી લેવાયા હતા.એલસીબી ટીમે ઝડપેલા દિલીપ બચુભાઈ ખરાડી,સંજય બંસીભાઈ ગડસા અને અર્પિત ઉર્ફે બોડો બંસીભાઈ ગડસાની ઊંડાણપૂર્વક ગુના સંબંધે પુછપરછ હાથ ધરાતાં આ ત્રણેય ઘરફોડીયાઓએ ભિલોડા તાલુકાના વાંકાનેર અને ધોલવાણી ગામે હિંસકહથિયારો સાથે ધાડના ગુનાને જયારે ભિલોડા નગરમાં જ બે ઘરફોડના ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી લીધી હતી. આ ત્રણેય ઘરફોડીયા પાસેથી રૂ.૧૩૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જિલ્લા એલસીબી ઈન્સ્પેકટર સી.પી.વાઘેલા,પોસઈ વી.એસ.દેસાઈ સહિતની ટીમે આ આરોપીઓને ઝડપી લેતાં ઘરફોડના-૨ અને ધાડના-૨ મળી કુલ ૪ ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.ત્રણેય આરોપીઓને વધુ તપાસ અર્થે અને તેમના અન્ય સાગરીતોને ઝડપી લેવા ભિલોડા પોલીસને હવાલે કરાયા હતા.

 

(6:30 pm IST)