Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમદાવાદથી દિલ્‍હી થઇને શિકાગો પહોંચેલા ગુજરાતના મહેસાણાના કમલેશ પટેલ અને પરિવારને કડવો અનુભવઃ ફલાઇટમાં 7 બેગ ગાયબ થઇ ગઇ

ફરિયાદ કર્યા બાદ 3 કલાક સુધી કોઇ જ પ્રતિસાદ ન મળ્‍યો

અમદાવાદઃ અમદાવાદથી તમે હજારો કિલોમીટરનું અંતર કાપીને અમેરિકા પહોંચો અને ત્યાં જ એવું માલૂમ પડે કે તમારી 8માંથી ૭ બેગ ખોવાઇ ગઇ છે તો? આવો જ કંઇક કડવો અનુભવ અમદાવાદથી વાયા દિલ્હી થઇને શિકાગો પહોંચેલા ગુજરાતના એક મુસાફરને થયો છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ મહેસાણાના કમલેશ પટેલ પત્ની અને બાળકો સાથે 10 નવેમ્બરે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અમદાવાદથી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીથી તેમની અમેરિકાના શિકાગો માટેની ફ્લાઇટ હતી. પરંતુ અમેરિકા પહોંચતાં જ તેમના ધ્યાનમાં આવ્યું કે તેઓ અમદાવાદથી 8 બેગ લઇને નીકળ્યા હતા અને તેમાંથી 7 બેગ ગાયબ છે. તેમણે આ અંગે ફરિયાદ કરી તો 3 કલાક સુધી કોઇ જ પ્રતિસાદ મળ્યો નહોતો. આખરે બેગ ગૂમ થવા અંગે એર ઇન્ડિયાએ તેમની પાસે ફોર્મ ભરાવ્યું હતું અને સાથે કહેવામાં આવ્યું હતું કે તેમની બેગ એક દિવસ તો મળી જશે.

કમલેશ પટેલે કડવા અનુભવ અંગે સોશિયલ મીડિયામાં બળાપો પણ ઠાલવ્યો છે. કિંમતી મત્તા સાથેની તેમની આ 7 બેગ ક્યારે મળશે તેની સામે મોટો પ્રશ્નાર્થ છે. એર ઇન્ડિયાની દિલ્હી-શિકાગોની આ ફ્લાઇટમાં અનેક મુસાફરોની કોઇને કોઇ બેગ ગાયબ હોવાની ફરિયાદો મળી હોવાનું કહેવાય છે.

(4:48 pm IST)