Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમદાવાદ મનપાનો મોટો નિર્ણય : મુખ્ય માર્ગો, ધાર્મિક સ્થળો, સ્કૂલ, કોલેજો સહિતના સ્થળોએથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરાશે

જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને કડક કાર્યવાહી કરાશે

અમદાવાદ : રાજ્યમાં રાજકોટ બાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આજથી બદલાયેલા નિયમ મુજબ જાહેરમાં નોનવેજ ઢાંકીને વેચવું પડશે. હાલમાં નોનવેજ અને આમલેટની લારી બંધ નહિ કરાવાય. પરંતુ જાહેરમાં નોનવેજ વેચતા લારી ધારકોને કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. તેઓ હવે નોનવેજ ઢાંકીને વેચી શકશે. આ ઉપરાંત જાહેરમાં લારી નહી લગાવી શકે. લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી પર હાઇજેનિક સ્થિતિ જાળવવી પડશે. પાલિકાના અધિકારીઓ રોડ રસ્તા પર લાગતી લારીઓનું સર્વે કરશે. બાદમાં મેયરની અધ્યક્ષતામાં બેઠક કર્યા બાદ નિર્ણય લેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તા પર દબાણ કરતી અથવા તો નડતી હોય તેવી તમામ નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવામાં આવશે. આ અંગે તત્કાલ કાર્યવાહી કરવા માટે પણ કોર્પોરેશન દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે. જેના પગલે કાલથી જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. ઇંડા અને નોનવેજની લારી ધારકો ઇચ્છે તો મેદાન કે કોર્પોરેશન દ્વારા બનાવાયેલા સ્ટેન્ડ પર ઉભા રહી શકશે પરંતુ જાહેર રોડ પર ઉભા નહી રહી શકે. આ અંગે કોર્પોરેશન દ્વારા કાલથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહિના પહેલા શહેરમાં ધાર્મિક સ્થાનોની આસપાસ ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં નોનવેજ લાયસન્સ વગર વેચી ન શકાય જેથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

(7:05 pm IST)