Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી અદાણીનું નામ હટાવાયું :લોગો ખોટી રીતે લગાવ્યો હોવાનું ખુલ્યું

એરપોર્ટ ઓથોરિટીએ 4 સભ્યોની કમિટી બનાવી તપાસ કરતા રપોર્ટ પરિસરમાં 26 જગ્યાએ અદાણીનો લોગો ખોટી રીતે લગાવ્યો હોવાનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી

અમદાવાદ એરપોર્ટના સંચાલન માટે અદાણીએ કામકાજ શરૂ કર્યા બાદ એરપોર્ટના નામ આગળ અદાણીના લોગો લગાવી દીધા હતા. તેમજ તેને લઇને રાજકીય વિવાદ પણ છેડાયો હતો.અદાણીએ અમદાવાદ એરપોર્ટના સંચાલન માટે અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ નામથી કંપની બનાવી હતી. જેના પગલે એરપોર્ટના નામ વાળા તમામ સ્થળની આગળ અદાણીનો લોગો લગાવી દેવામાં આવ્યો હતો.

જો કે આ વિવાદ વકરતા એરપોર્ટ ઓથોરીટીએ તમામ મુદ્દાની તપાસ હાથ ધરી હતી. તેમજ તેમ માલૂમ પડ્યું હતું કે અદાણીએ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા સાથે કરેલા એમઓયુની શરતોનો ભંગ કર્યો છે. આ વિવાદ થતાં એરપોર્ટ ઓથોરિટીએ 4 સભ્યોની કમિટી બનાવી તપાસ કરતા અમદાવાદ એરપોર્ટ પરિસરમાં 26 જગ્યાએ અદાણીનો લોગો ખોટી રીતે લગાવ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો.

 આ વિવાદ વધે નહિ તે માટે અદાણી ગ્રૂપે કંપનીની બ્રાન્ડિંગ પોલિસીના બહાના હેઠળ લોગો તમામ સ્થળેથી હટાવી દીધો હતો. એમઓયુના આર્ટિકલ 5.15.2 મુજબ તમામ એરપોર્ટના નામ યથાવત રાખવા અને તેના લોગો કે નામમાં ફેરફાર નહીં કરવાનું જણાવાયું હતું. જેથી હવે એરપોર્ટ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ નામથી સંચાલિત થશે.

અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કરતું હતું. પરંતુ આ નામની સાથે અદાણીએ એરપોર્ટ એરિયામાં અલગ અલગ સ્થળે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના લોગોને નાનો કરવાની સાથે કેટલીક જગ્યાએથી દૂર કરી પોતાનો લોગો લગાવ્યો હતો. આ લોગો અને નામ અંગે વિવાદ થયા બાદ થોડા સમય પહેલાં એરપોર્ટ એરિયામાં તમામ જગ્યાએથી અદાણીનો લોગો દૂર કરી દેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીની સોંપાયું હતું. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેલ એરપોર્ટનું વિધિવત સંચાલન અદાણી લિમિટેડને સોંપાયું હતું . 7 નવેમ્બર 2020 ના રોજથી  એરપોર્ટનો સંપૂર્ણ કાર્યભાર અદાણી લિમિટેડ સંભાળયો હતો.

(10:56 pm IST)