Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ધો-૧૦ બોર્ડ પરીક્ષાના ફોર્મ સ્વીકારવા માટે તારીખ વધી

૨૫મી નવેમ્બર સુધી આવેદન સ્વીકારાશે : ૨૬ નવેમ્બરથી ૧૮મી ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન ૩ ચરણ સુધી લેઇટ ફી સાથે વિદ્યાર્થીના આવેદન સ્વીકારાશે

અમદાવાદ, તા.૧૬ : ધોરણ-૧૦ની આગામી માર્ચ-૨૦૨૦ની પરીક્ષાના ફોર્મ(આવેદનપત્ર) રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ બોર્ડ દ્વારા તા.૨૫-૧૧-૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ અને સ્કૂલોને રાહત મળી છે. તા.૨૫મી નવેમ્બર પછી તા.૨૬ નવેમ્બરથી તા.૧૮ ડિસેમ્બર,૨૦૧૯ દરમ્યાન ત્રણ તબક્કાઓ સુધી લેઇટ ફી સાથે વિદ્યાર્થીઓના આવેદન સ્વીકારવામાં આવશે. ધોરણ-૧૦ની આગામી માર્ચ-૨૦૨૦ની બોર્ડની પરીક્ષાને લઇ આવેદન સ્વીકારવાની તારીખ તા.૨૫મી નવેમ્બર સુધી લંબાવવાની સાથે સાથે લેઇટ ફી સાથે ફોર્મ સ્વીકારવાના ત્રણ તબક્કા નક્કી કરાયા છે. જેમાં પ્રથમ તબક્કો તા.૨૬-૧૧-૨૦૧૯થી તા.૫-૧૨-૨૦૧૯ સુધી રૂ.૨૫૦ની લેઇટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. બીજા તબક્કામાં તા.૬-૧૨-૨૦૧૯થી તા.૧૫-૧૨-૨૦૧૯ સુધી રૂ.૩૦૦ની લેઇટ ફી સાથે આવેદન સ્વીકારાશે જયારે છેલ્લા અને ત્રીજા તબક્કામાં તા.૧૬-૧૨-૨૦૧૯થી તા.૧૮-૧૨-૨૦૧૯ દરમ્યાન રૂ.૩૫૦ની લેઇટ ફી સાથે વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ સ્વીકારવામાં આવશે. બોર્ડ દ્વારા ખાસ જણાવાયું છે કે,

                     આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ તા.૧૮-૧૨-૨૦૧૯ સુધી કોઇપણ વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારો કરી શકાશે. જે માટે કોઇ અલગ ફી લેવામાં આવશે નહી પરંતુ ત્યારપછી લેઇટ ફીના તબક્કા દરમ્યાન તેમાંથી મુકિત મળશે નહી. અલબત્ત, વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુકિત આપવામાં આવી છે. મુદતમાં વધારો કરવામાં આવ્યા બાદ ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થઈ છે.

(8:29 pm IST)