Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સ્વામી નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાના મુદ્દે જોરદાર ડ્રામા

મહિલા અને બાળ આયોગે તપાસના આદેશ આપ્યા : પરિવાર અને આશ્રમ સંચાલકો વચ્ચે પ્રવેશ મામલે ડ્રામા સર્જાયો : યુવતી પરિવાર સાથે રહેવા માગતી નથીઃ પોલીસ

 અમદાવાદ, તા.૧૬ : શહેરના હાથીજણ નજીક આવેલા સ્વામી નિત્યાનંદના યોગીની સર્વાગ્ય પીઠમ નામના આશ્રમમાં બેંગલુરુની એક ૨૨ વર્ષીય યુવતીને ગોંધી રાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે આશ્રમમાં મોડી રાત્રે પોલીસને લઈને આવેલા તેના પરિવાર અને આશ્રમ સંચાલકો વચ્ચે અંદર પ્રવેશવાના મામલે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ચાર કલાક સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કેટલાક લોકોને અંદર પ્રવેશવા દેવાયા હતા. જો કે, આશ્રમમાંથી યુવતી મળી આવી ન હતી. આ મામલે મહિલા અને બાળ આયોગે તપાસના આદેશ આપ્યા છે અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. દરમ્યાન ડીવાયએસપીએ યુવતી સાથે વીડિયો કોલ કરી વાત કરતાં યુવતીએ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. બીજીબાજુ,  યુવતીના પિતાએ આશ્રમના લોકો તેમને રેપ કેસમાં ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

                   જેને પગલે આ સમગ્ર કેસમાં ભારે ગરમાવો આવી ગયો છે અને પોલીસ પણ મામલાને શાંત પાડવા સઘન પ્રયાસો કરી રહી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, યુવતી પરિવાર સાથે રહેવા માગતી નથી. યુવતી પોતાની મરજીથી આશ્રમમાં જોડાયેલી છે, યુવતી હાલ વિદેશ પ્રવાસે છે, હાલમાં આશ્રમ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બે સગીર બાળકોને તેના માતાપિતાને પરત સોંપવામાં આવ્યા છે. યુવતીનો સંપર્ક સાધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુવતી પુખ્તવયની હોવાથી મરજીથી ગમે ત્યાં જઈ શકે છે.

                  પોલીસ સૂત્રો મુજબ, બેંગાલુરુના પરિવારના ચાર સંતાનોએ કર્ણાટકના આશ્રમમાં દીક્ષા લીધી હતી. તે પૈકી ૨૨ વર્ષની યુવતી દોઢ વર્ષથી ગુમ છે. જ્યારે બીજી યુવતીએ વીડિયો પોસ્ટ કરી તેની પર આશ્રમમાં દુષ્કર્મ આચરાયું હોવાના ગંભીર આરોપ લગાવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જેથી પરિવારજનો તેને શોધવા એક સપ્તાહથી અમદાવાદ આવ્યા છે. શુક્રવારે મોડી રાતે ચાઈલ્ડ વેલ્ફેર અને માનવ અધિકાર પંચના અધિકારીઓની ટીમ અને વિવેકાનંદનગર પોલીસને સાથે પરિવાર આશ્રમે આવ્યો હતો. આ દરમ્યાન પોલીસે આશ્રમના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશવાની ચીમકી આપતા અમુક લોકોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે, આશ્રમમાંથી ગુમ થયેલી યુવતી મળી આવી નહોતી. જ્યારે આશ્રમ સંચાલકોના અનુસાર જે યુવતીને શોધી રહ્યા છે તે હાલમાં ક્યાંક ટ્રાવેલીંગ કરી રહી છે. તો, માતાપિતાએ પોતાની પુત્રીને લઇ ભારે રોકકળ મચાવવા સાથે ભારે ચિંતા વ્યકત કરી હતી.

(7:37 pm IST)