Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

­વડોદરાની નજીક ડેંગ્યુ રોગથી યુવાનના મોતથી ભારે દહેશત

ગોત્રીમાં ગંદકીને પગલે મચ્છરોના ઉપદ્રવ : ગંદકી અને દુષિત પાણીના લીધે પરિવારજનોમાં તંત્ર સામે રોષ : ડેંગ્યુથી યુવકના મોતની ઘટના બાદ તંત્ર દોડતુ થયુ

અમદાવાદ, તા.૧૬ : વડોદરા શહેરના ગોત્રી ગામમાં ડેંગ્યુ તાવમાં પરિણીત યુવાનનું વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મોતને ભેટેલો યુવાન છેલ્લા એક સપ્તાહથી બિમાર હતો અને તેને ઇલોરા પાર્ક ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, ડેંગ્યુથી યુવકના મોતને લઇ હવે વડોદરામાં પણ લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે તો, આ ઘટના સામે આવ્યા બાદ તંત્રના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા છે. ગોત્રી ગામમાં આવેલા પટેલ ફળિયાની નાની ખડકીમાં રહેતા કૌશલભાઇ મહેશભાઇ પટેલને(ઉ.વ.૩૧) એક સપ્તાહ પૂર્વે તાવ આવ્યો હતો. સ્થાનિક ડોક્ટરો પાસે દવા લેવા છતાં તાવ ન ઉતરતા ઇલોરા પાર્કની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેઓના બ્લડ ટેસ્ટ કરવામાં આવતા ડેંગ્યુ પોઝીટીવ જણાઇ આવ્યો હતો. હોસ્પિટલમાં ડેંગ્યુ તાવની ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી.

                     પરંતુ ડેંગ્યુના તાવ ન મટતા તેનું આજે વહેલી સવારે સારવાર દરમ્યાન જ મોત નીપજ્યું હતું. ડેંગ્યુ તાવમાં ૩૧ વર્ષીય કૌશલભાઇનું મોત નીપજતાં પરિવારજનોએ તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો કે, સ્વચ્છતાની ગુલબાંગો ફૂંકતું તંત્ર વડોદરા શહેરમાં સફાઇ કરવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. ગામમાં છેલ્લા ઘણાં સમયથી દુષિત પાણી આવી રહ્યું છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં ઉકેલ લાવવામાં આવ્યો નથી. અ ેતો ઠીક ગામના તળાવમાં ડ્રેનેજનું પાણી છોડવામાં આવે છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આ બાબતે પણ તંત્રને જાણ કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા તળાવમાં છોડવામાં આવતું ડ્રેનેજનું પાણી બંધ કરવામાં આવતું નથી.

                     ઉલ્લેખનીય છે કે, ડેંગ્યુ તાવમાં મોતને ભેટેલ કૌશલભાઇ પટેલ ભાયલી ખાતે કન્સ્ટ્રક્શન સાઇટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. તેઓને ત્રણ વર્ષનો પુત્ર છે. ડેંગ્યુ તાવમાં કૌશલભાઇનું આજે મોત નીપજતાં પરિવારજનોમાં શોકનો માતમ છવાયો હતો. ગત વર્ષની સરખામણીમાં વડોદરામાં ડેંગ્યુના તાવમાં અધધ વધારો થયો છે. જો કે, કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ ગત વર્ષની સરખામણીમાં ડેંગ્યું તાવના કેસ ઓછા હોવાનો દાવો કરી રહ્યું છે.જો તંત્ર દ્વારા ડેંગ્યુ તાવના વધી રહેલા કેસો ઉપર અંકુશ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અનેક લોકો ડેંગ્યુ તાવમાં મોતને ભેટશે તેવો સ્થાનિકોએ ગંભીર દહેશત વ્યકત કરી હતી. ડેંગ્યુએ હાલમાં ભારે આતંક મચાવ્યો છે.

(7:34 pm IST)