Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

અમદાવાદના જશોદાનગરમાં પુત્રને મુકીને ઘરે પરત ફરી રહેલા પિતા ઉપર બ્રિજ ઉપર લાગેલુ હોર્ડીંગ ઉડીને પડતા મોત

અમદાવાદ : શહેરમાં બિનકાયદેસર લાગેલી જાહેરાતના હોર્ડિંગ્સ અને બોર્ડ પણ તમારા માટે યમરાજ પહોંચાડી શકે છે. જશોદાનગર બ્રિજ પર લાગેલા હોર્ડિંગના કારણે જશોદાનગરમાં રહેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પોતાના પુત્રને મુકીને ઘરે પરત ફરી રહેલા પિતા પર બ્રિજ પર લાગેલું હોર્ડિંગ ઉડીને બાઇક પર આવી ગયું હતું. જેના કારણે હબકી ગયેલા દીપક ભાઇનું બાઇક સ્લીપ થઇ ગયું હતું. બાઇક ચાલક પિતાને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેમનું ગઇકાલે મોત નિપજ્યું હતું. આથી બ્રિજ વચ્ચે લાગેલુ બિનકાયદેસર હોર્ડિંગે એક વ્યક્તિનો જીવ લીધો છે.

4 દિવસની સારવાર બાદ સિવિલમાં મોત

જશોદાનગર ચોકડી પાસે આવેલા સત્યમ પાર્કમાં રહેતા દિપક ભાઇ મોદી રવિવારે સવારે તેમના પુત્રને લઇને અમરાઇવાડી મુકવા માટે ગયા હતા. ઘરે પરત ફરતા સમયે બ્રિજની વચ્ચો વચ પહોંચ્યા ત્યારે હોર્ડિંગ ઉડીને તેમના પર પડ્યું હતું. અચાનક હોર્ડિંગ આવતા હબકી ગયેલા દિપક ભાઇએ બાઇક પરનુ સંતુલન ગુમાવ્યું હતું. બ્રિજ પર પટકાયેલા અને ગંભીર રીતે ઘાયલ દિપક ભાઇને સારવાર માટે ખસેડ્યા હતા. તેઓએ શરીરના અનેક ભાગે ઇજાઓ થઇ હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં 4 દિવસની સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.

કોર્પોરેશન અને પોલીસનું ચલકચલાણુ

શહેરના અનેક બ્રિજો પર થાંભલાઓ અને સરકારી માલ મિલ્કતો પર આવા અનેક ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બોર્ડ લાગેલા છે. આ બિનકાયદેસર હોર્ડિંગ્સ જોખમી હોય છે. જો કે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ બિનકાયદેસર હોર્ડિંગ લગાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરતું નથી અને આંખ આડા કાન કરે છે. આ કેસમાં પણ પોલીસે ફરિયાદ તો દાખલ કરી છે. પરંતુ તેના અનુસાર કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ દ્વારા હજી સુધી આ અંગે કોઇ રિપોર્ટ આવ્યો નથી. જ્યારે એસ્ટેટ વિભાગ જણાવી રહ્યું છે કે આ અંગે પોલીસે તપાસ કરવી જોઇએ.

(5:25 pm IST)