Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

લોકોની વેદના દૂર કરે તે વ્યવસ્થા તંત્ર સુત્રો દિલમાં ઉતારીએઃ આર.આર. રાવલ

ગાંધીનગરમાં સ્નેહમિલન પ્રસંગે ડી.ડી.ઓનું ઉદબોધન

ગાંધીનગરમાં જિલ્લા પંચાયત પરિવારના સ્નેહ મિલનમાં દિપ પ્રાગટ્ય પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર

ગાંધીનગરઃલોકોની વેદના, સંવેદના અને ફરિયાદો દૂર કરે તે વ્યવસ્થા તંત્ર છે. સરકારના કર્મયોગીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરશે, તો સામાન્ય વ્યકિતની સંવેદનાને સમજી શકશે, તેવું ગાંધીનગરની નાથીબા કોમર્સ કોલેજના હોલમાં યોજાયેલ જિલ્લા પંચાયત પરિવારના સ્નોહ મિલન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે જણાવ્યું હતું.

 તલાટી-સરપંચશ્રીઓ અને પદાધિકારીઓના સ્નેહ મિલન સમારંભમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાયાગ્રામ સ્વરાજની પરિકલ્પનાને સાર્થક કરવા માટે ગામડાઓનો વિકાસ જરૂરી છે. મારું ગામ રળિયામણું ગામ, સ્વચ્છ-સુંદર-રૂપાળું ગામ બનાવવાની જવાબદારી તમામ ગ્રામજનોની છે. જયાં સાચી સત્તાનો સદ્દઉપયોગ ન થાય ત્યારે પ્રશ્નો ઉભા થતાં હોય છે. આપણામાં આપણે કરવું જ છે, તેવો ભાવ આવવો ખૂબ જ જરૂરી છે. ગામના વિકાસમાં મારું શું... મારે શું.... જેવા ભાવ આવશે તો ગામનો વિકાસ રૂપાશે. કોઇ પણ ગામના વિકાસ માટે સરપંચ, તલાટીઓ અને ગ્રામજનોનો માનસિક મનબોળ મજબૂત હોવું ખૂબ જરૂરી છે.  ગામનો વિકાસ ગામની ગોદમાં રમતો વ્યકિત જ સાચી રીતે કરી શકે છે, તેવું કહી જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે જણાવ્યું હતું કે, દિવાલ પર સૂત્રો લખવાથી ગામનો વિકાસ થતો નથી, પણ આ સૂત્રો દિલમાં લખાશે તો જ વિકાસ સાચા અર્થમાં થશે.

આ પ્રસંગે સર્વ સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓને સરકારની વિવિધ યોજનાઓના  તલાટીશ્રીઓને સરકારની વિવિઘ યોજનાઓની વિસ્તૃત સમજ આપતું પેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.  નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મનિષાબેન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.

કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નરેશભાઇ ઠાકોર, વિરોધ પક્ષના નેતા શ્રી જયેશભાઇ ચૌઘરી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી એલ.એન.પરમાર સહિત મોટી સંખ્યામાં વિવિધ ગામના સરપંચશ્રીઓ અને તલાટીઓ સાથે સાથે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(2:33 pm IST)