Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષથી અધિક્ષક સહિતની ખુરશી જ ખાલી

૨૦૦ થી વધુ ગામોના સારવાર માટે આવતા દર્દીઓ ભારે હાલાકી :કોંગ્રેસ દ્વારા છેલ્લા ૧૨ સોમવારથી સ્ટાફ મુકવા માટે આંદોલન

રાધનપુરમાં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાધનપુરના ધારાસભ્ય હોવાથી સરહદી વિસ્તારના લોકોને સારી સારવાર મળી રહે તે માટે ચાર કરોડ રૂપિયાના ખર્ચે ૧૦૦ બેડની વિશાળ હોસ્પિટલ મંજુર કરી હતી,અને તેમના જ હાથે આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું,પરંતુ આજે આ વિશાળ હોસ્પિટલની હાલત દયનીય બની જવા પામી છે,સ્ટાફના અભાવે રાધનપુર-સાંતલપુર-સમી-ભાભર-દિયોદર-થરા સહીત કચ્છના કેટલાક વિસ્તાર મળીને ૨૦૦ થી વધુ ગામોના સારવાર માટે આવતા દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.સરકાર દવારા પૂરતો સ્ટાફ મુકવાની જગ્યાએ જે સ્ટાફ છે તેમાંથી પણ અમુકને ડેપ્યુટેશન ઉપર મોકલી દેવામાં આવતા હોવાથી હાલત વધુ કફોડી બને છે.કોંગ્રેસ દ્વારા છેલ્લા ૧૨ સોમવારથી સ્ટાફ મુકવા માટે આંદોલન ચલાવાય છે તેમ છતાંય ગુજરાત સરકારના પેટનું પાણી હાલતું નથી.

રેફરલ હોસ્પિટલમાં અધિક્ષક ડો.આર. એન. નૌલખા નિવૃત્ત થયા બાદ રજૂઆતોના પગલે ડો.શૈલેષ ગજ્જરને અધિક્ષક તરીકે મુકવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ વર્ષ પહેલા રાજસ્થાનના દર્દીઓના સોનોગ્રાફીના કેસમાં રાજસ્થાન પોલીસ લઇ ગયા બાદથી અધિક્ષકની જગ્યા આજદિન સુધી ખાલી જ પડેલી છે,માત્ર જે તે મેડિકલ ઓફિસરને ઇન્ચાર્જ બનાવી દેવાય છે. રેફરલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો.કૃણાલ પટેલના જણાવ્યા અનુસાર ગાયનેક, એનેસ્થેટિક્સ, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ડેન્ટલ, ઓપ્ટીઓમેટ્રિક્સ સહિતની તમામ જગ્યાઓ ખાલી પડી છે, ર્નસિંગ સ્ટાફમાં ૧૨ માંથી ૮ જગ્યાઓ જ ભરેલી છે. માત્ર ગાયનેકની જગ્યા ટેમ્પરરી ભરવામાં આવી છે. જો આ તમામ જગ્યાઓ ભરાઈ જાય તો સરહદી વિસ્તારના લોકોને સારી સારવાર મળી રહે તેમ છે.

(1:54 pm IST)