Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ગોમતીપુર પોલીસની વ્યસનમુકિત ઝૂંબેશ વ્યાપક બની

પોલીસનો નવતર પ્રયોગ આઠ પોલીસ સ્ટેશનમાં વિસ્તર્યોઃ વ્યસનમુકિત ઇચ્છતા લોકોનું રજીસ્ટ્રેશન થશેઃ પોલીસ, સામાજીક સંગઠનો અને નાગરીકોના અભિયાનને સફળતાઃ અલગ કોલ સેન્ટર શરૂ થશેઃ ડીસીપી રવિ તેજા

અમદાવાદ તા. ૧૬ :.. પોલીસ, પ્રજા અને સામાજીક સંગઠનો હાથ મિલાવે અને સમાજને કોરી ખાતી સમસ્યાઓ અંગે ઝૂંબેશ આદરે તો કેવા સારા પરિણામો મળે તેનો દાખલો ગોમતીપુર પોલીસ સ્ટેશને લોકોની મદદથી બેસાડયો છે. હવે આ ઝૂંબેશ અમદાવાદના ઝોન-પ ના આઠ પોલીસ સ્ટેશનમાં વિસ્તરી છે. પોલીસ હવે વ્યસનમુકત થવા માંગતા લોકોનું રજીસ્ટ્રેશન પણ કરશે અને આ અભિયાન માટે અલગ અલગ કોલ સેન્ટર શરૂ કરાશે તેમ ઝોન-પ ના ડીસીપી રવિ તેજાએ જણાવ્યું છે. ગોમતીપુર વિસ્તારમાં પોલીસ, પ્રજા અને સામાજિક કાર્યકરો દ્વારા શરૂ થયેલી વ્યસનમુકિત ઝુંબેશને એક વર્ષની સફળતા જોતા હવે શહેરના ઝોન-પાંચના આઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યસનમુકિત ઝુંબેશ શરૂ કરાશે. જેમાં વ્યસનમુકત થવા માગતા લોકો પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવશે. ત્યાર બાદ વ્યસનમુકિતની ટીમ દ્વારા રજિસ્ટ્રેશન કરાવનારાને નશામુકિત કેન્દ્રમાં મોકલવા સહિતની પ્રક્રિયા હાથ ધરાશે. એટલે પોલીસે FIR નોંધવાની સાથે સાથે હવે વ્યસનમુકત થવા માગતા લોકોનું રજિસ્ટ્રેશન પણ કરશે. તદુઉપરાંત વ્યસનમુકત થવા માગતા લોકો માટે એક અલગથી કોલ સેન્ટર પણ શરૂ કરવાની વિચારણા છે ત્યારે હાલ તો ઝોન-પાંચના ડીસીપી અને સામાજિક કાર્યકરો ભેગા મળીને આઠ પોલીસ સ્ટેશનમાં વ્યસનમુકિત ઝુંબેશ કેવી રીતે ચલાવવી તે અંગેનો એકશન પ્લાન તૈયાર કરી ટૂંક સમયમાં તેનો અમલ કરશે. જેમાં સ્થાનિકો, કોલેજના વિદ્યાર્થીઓને પણ જોડવામાં આવશે.

આ અંગે ગોમતીપુર વિસ્તારમાં પોલીસ સાથે મળીને વ્યસનમુકિત ઝુંબેશ શરૂ કરનારા સામાજિક કાર્યકર અને ઇન્સ્ટીટયુટ ફોર સ્ટડીઝ એન્ડ ટ્રાન્સફોર્મેશનના સભ્ય એઝાઝ શેખે જણાવ્યું હતું કે અમે ગત વર્ષે ગોમતીપુરમાં પોલીસ સાથે મળીને વ્યસનમુકિત ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં ખૂબ જ સારો સહકાર મળતા એક વર્ષમાં અત્યાર સુધી ૨૮ લોકો દારૂ-ડ્રગ્સ,ચરસ સહિતના વ્યસનોને ત્યાગીને એક સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. જો કે હજુ ૩૦ લોકોએ વ્યસનમુકત થવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમને પણ વ્યસનમુકિત કેન્દ્રમાં મોકલીને યોગ્ય સારવાર કરાવીને વ્યસનમુકત કરાવીશું. અમારા ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરૂ કરેલી આ ઝુંબેશની સફળતાને જોતા અમે ઝોન પાંચના ડીસીપી રવિ તેજા વસમશેઢ્ઢીને મળીને આ ઝુંબેશન વધારવા રજુઆત કરી હતી. જેને તેઓએ સહર્ષ સ્વીકારી અમદાવાદ શહેરના ઝોન-પાંચના ગોમતીપુર, બાપુનગર,રખિયાલ, ઓઢવ, નિકોલ,અમરાઇવાડી,ખોખરા અને રામોલ મળીને કુલ ૮ પોલીસ સ્ટેશનોમાં વ્યસનમુકિત ઝુંબેશ શરૂ કરવા જણાવ્યું છે. આ ૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સાથે ઇન્સ્ટીટયુટ ફોર સ્ટડીઝ એન્ડ ટ્રાન્સફોર્મેશન અને હાઇ ઓન લાઇફ સંસ્થા અને સ્થાનિક પ્રજા મળીને વ્યસનમુકિત ઝુંબેશ ચલાવશે.

વધુમાં એઝાઝ શેખે કહ્યું હતું કે આ સમગ્ર ઝુંબેશમાં અમે સૌ પ્રથમ વ્યસનમુકત થવા માગતા લોકો માટે યોગ્ય જગ્યા ફાળવવા, માત્ર સારવાર જ નહીં પણ શાળા કોલેજોમાં પણ વ્યસનમુકિત માટે જાગૃતિ અભિયાન ફેલાવવા સહિતની કામગીરી કરીે ઝુંબેશને એક પોલીસ સ્ટેશનથી સમગ્ર અમદાવાદ શહેરમાં વિસ્તારવા માગીએ છીએ. સરકાર, પોલીસ અને પ્રજાનો આ રીતે જ સહકાર મળતો રહેશે તો અમે એક દિવસ અમદાવાદ શહેરને વ્યસનમુકત બનાવી હેલ્ધી સમાજનું નિર્માણ કરી શકીશું. જો કે હાલ તો ઝોન-૫ ડીસીપી રવિ તેજાએ જે રીતે અમને સહયોગ આપ્યો છે. તેને ધ્યાને રાખીને અમે ૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યસનમુકિત ઝુંબેશ કેવી રીતે ચલાવવી સહિતના મુદ્દાઓને લઇને એક એકશન પ્લાન તૈયર કરી રહ્યા છે. ટુંક સમયમાં આ પ્લાન તૈયાર કરી ડીસીપીને આપીશું. ત્યાર બાદ આ ઝુંબેશ ટુંક સમયમાં જ શરૂ કરીશું.

બુટલેગર સહિત ર૮ લોકોએ વ્યસનમાંથી મેળવી મુકિતઃ કોલેજના વિદ્યાર્થીઓ પણ ઝૂંબેશમાં જોડાશે

ગોમતીપુર પોલીસ, લોકો અને સામાજીક અગ્રણી એઝાઝ શેખના સહિયારા પ્રયાસોથી દારૂ વેંચતા અને પીતા એક બુટલેગર સહિત ર૮ લોકો વ્યસનમુકત બન્યા છે. આ અંગે જાગૃતિ લાવવા હવે કોલેજના યુવાનોને પણ આ અભિયાનમાં સામેલ કરાશે. કોલેજ કેમ્પસમાં વ્યસનમુકિત અંગે સેમિનારો યોજાશે આ ઉપરાંત અમદાવાદ શહેરની સામાજીક સંસ્થાઓનો સહકાર મેળવીને આ ઝૂંબેશને વધુ વેગ આપવામાં આવશે.

(11:44 am IST)