Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ગુજરાતમાં પારો ત્રણ ડિગ્રી સુધી ઘટવાના સ્પષ્ટ એંધાણ

અમદાવાદમાં સવારમાં ઠંડા પવનો ફુંકાતા ઠંડી : અમદાવાદની સાથે સાથે રાજ્યમાં ધીમી ગતિએ ઠંડી વધે તેવા સંકેત : સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગમાં વરસાદ

અમદાવાદ,તા. ૧૫ : અમદાવાદમાં આજે સવારે જોરદાર ઠંડા પવન સાથે ઠંડીનો અનુભવ લોકોને થયો હતો. સવારે ૮.૩૦ વાગ્યા સુધીના ગાળામાં પણ ઠંડા પવનો ફુંકાઈ રહ્યા હતા અને ઠંડીની શરૂઆત થયા બાદ હવે તેમાં વધારો થવાના સંકેત મળવા લાગી ગયા હતા. સવારના પવનોના કારણે લોકોએ સાવચેતી પણ રાખી હતી. તાપમાનમાં હવે ઘટાડાનો સિલસિલો શરૂ થઇ શકે છે. આજે રાજ્યમાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું ભુજમાં ૧૮.૮ ડિગ્રી રહ્યું હતું. કંડલા એરપોર્ટ ખાતે પણ પારો ૨૦થી નીચે પહોંચ્યો હતો. ગાંધીનગરમાં પણ પારો ૧૯ રહ્યો હતો. હાલમાં કમોસમી વરસાદ બાદ હવે એકાએક ઠંડીમાં ઝડપથી તેજીની શરૂઆત થઇ શકે છે. આને લઇને લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા મહાની અસર હજુ જોવા મળી રહી છે જેના ભાગરુપે ગુરુવારના દિવસે પણ રાજ્યના કચ્છ, જૂનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ખેડૂતોની હાલત ખરાબ થયેલી છે.

                    કારણ કે, તેમના પાકને નુકસાન થવાનો ખતરો હજુ પણ રહેલો છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૧.૩ ડિગ્રી રહ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને કચ્છમાં હળવો વરસાદ થયો છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ રહેલી છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. એનો મતલબ એ થયો કે, ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગના કહેવા મુજબ કચ્છ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સાથે સાથે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી પરોઢે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોના કારણે લોકો હવે ગરમ વસ્ત્રોમાં નજરે પણ પડવા લાગી ગયા છે.

                       વહેલી સવારે કામ કરતા કેટલાક કર્મચારીઓને ગરમ વસ્ત્રોમાં જોઈ શકાય છે. તાપમાનમાં હજુ વધુ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. વાલીઓ પણ વધારે કાળજી લેવા લાગી ગયા છે. બપોરમાં ગરમી અને મોડી રાત્રે ઠંડીના પરિણામ સ્વરૂપે વાયરલ ઈન્ફેકશનના રોગ પણ વધી ગયા છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ઘણા પગલા લેવાઈ રહ્યા હોવા છતાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થઈ રહ્યો છે. નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. સમયસર લાઈફ સ્ટાઈલ કરી દેવા માટેની સલાહ તીબો દ્વારા અપાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાંછેલ્લા ૨૪ કલાકમાં વરસાદ થયો છે જેમાં અંજાર, ભુજ, નવા ગામ અને જુનાગઢ અને આસાપસના વિસ્તારોનો સમાવેશ થાય છે.

ક્યાં કેટલું તાપમાન.....

ગુજરાતમાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં લઘુત્તમ તાપમાન આજે શનિવારના દિવસે નીચે મુજબ રહ્યા હતા.

સ્થળ.......................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ...................................................... ૨૦

ડિસા............................................................... ૨૦

ગાંધીનગર...................................................... ૧૯

વડોદરા.......................................................... ૨૦

સુરત.............................................................. ૨૩

વલસાડ....................................................... ૨૦.૧

પોરબંદર..................................................... ૨૨.૪

રાજકોટ....................................................... ૧૯.૮

સુરેન્દ્રનગર.................................................. ૨૨.૪

ભુજ............................................................. ૧૮.૮

મહુવા.......................................................... ૧૯.૩

નલિયા........................................................ ૧૯.૨

(8:54 am IST)