Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમદાવાદમાં સંજીવની હોસ્પીટલનાં તબીબોએ ફ્રેકચર હોવા છતા રજા આપી દેતા દંડ ફટકાર્યો

અમદાવાદ, તા., ૧૬: અમદાવાદની ગ્રાહક સુરક્ષા કોર્ટે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલના એક ડોકટરે અકસ્માતના દર્દીની પાંસળી અને પગમાં ફ્રેકચર હોવા છતાંય તેને બે કલાકમાં ડિસ્ચાર્જ કરી દેતા હોસ્પિટલને દંડ ફટકાર્યો છે. એક અઠવાડિયુ દવાઓ લીધા પછી દર્દી ઓર્થોપેડિક પાસે ગયા હતા જેમણે પાંસળી અને પગમાં ફ્રેકચર હોવાનું જણાવ્યું હતું. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અમદાવાદ (રૂરલ)એ જણાવ્યું કે વસ્ત્રાપુરમાં આવેલી સંજીવની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રા. લિએ ૮ ટકા વ્યાજ સાથે ગ્રાહક ચંદ્રપ્રકાશ પરવાનીને રૂ. ૫૦૦૦ ચૂકવવા પડશે. અકસ્માત બાદ હોસ્પિટલ ગયેલા પરવાનીએ ડોકટરની બેદરકારી અંગે ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર વાત એવી છે કે પરવાનીને IIM રોડ નજીક એક ગાડીએ ૨૪ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ટક્કર મારી હતી. તેમને એમ્બ્યુલન્સમાં સંજીવની હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં ડો. અમિત અગ્રવાલે તેમની ટ્રીટમેન્ટ કરી હતી. એકસ રે જોયા બાદ ડોકટરે કહ્યું કે પરવાનીને કંઈ ખાસ મોટી ઈજા નથી. આથી બે કલાકમાં તેમણે દવાઓ લખી આપી અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધા.

ફરિયાદીએ એક અઠવાડિયા સુધી દવા લીધી અને આરામ કર્યો પણ દુઃખાવો ઓછો ન થયો. ત્યાર બાદ તેમણે ડો. ભરત મિરાની નામના ઓર્થોપેડિકને બતાવ્યું. તેમણે પરવાનીની પાંસળી અને જમણા પગમાં ફ્રેકચર હોવાનું પકડી પાડ્યુ. એક વર્ષ પછી પરવાનીએ તેમને એક અઠવાડિયા સુધી દર્દ પહોંચાડવા બદલ સંજીવની હોસ્પિટલ પર રૂ. ૫૦,૦૦૦નો  દાવો માંડ્યો હતો. તેમણે કહ્યું કે જો ડો. અગ્રવાલે તેમની ઈજાની પૂરતી નોંધ લીધી હોત અને યોગ્ય સારવાર આપી હોત તો તે આ દુઃખાવામાંથી બચી શકયા હોત.

ચાર વર્ષ બાદ કોર્ટે સામી પાર્ટીની ગેરહાજરીમાં ફરિયાદ સાંભળવાનું નક્કી કર્યું. કોર્ટે જણાવ્યું, પુરાવો જોતા એવુ લાગે છે કે ફરિયાદીને ફ્રેકચર થયુ છે પણ હોસ્પિટલે તેને ધ્યાનમાં લીધુ ન હતું અને આ અંગે સારવારની સલાહ આપી ન હતી. એવુ માની શકાય કે ડો. અગ્રવાલે  ફ્રેકચર તપાસીને યોગ્ય ટ્રીટમેન્ટ આપી હોત તો ફરિયાદીને ખોટો દુઃખાવો સહન ન કરવો પડત.  ગ્રાહક સુરક્ષા કોર્ટે હોસ્પિટલને કાયદાકીય ખર્ચ પેટે વધારાના રૂ. ૨૦૦૦ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

(6:25 pm IST)