Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ડીસામાં દારૂ પાર્ટીમાં ઝડપાયેલા નિવૃત મામલતદાર સહીત ત્રણને એક મહિનો હોસ્પિટલ સાફ કરવાની સજા

ગેસ્ટહાઉસમાં દારૂ પાર્ટી કરવાના ગુન્હામાં કોર્ટે ફટકારી સજા ;સાફસફાઈની સ્વખર્ચે વિડીઓગ્રાફી કરવા આદેશ

ડીસાઃ ડીસાના  ગેસ્ટહાઉસમાં દારૂ પાર્ટી કરી રહેલા નિવૃત્ત નાયબ મામલતદાર સહિતના ત્રણ શખ્સોએ પોલીસ રેડમાં વર્ષ 2009માં ઝડપી પાડ્યા હતા. કોર્ટમાં હાલ સુધી ચાલેલી કાર્યવાહીના અંતે ડીસા કોર્ટે આ ત્રણેય શખ્સોને એક મહિના સુધી સીવિલ હોસ્પિટલ સાફ કરવાની સજા ફટકારી છે.

  વર્ષ 2009નો આ કેસ છે જેમાં નિવૃત્ત નાયબ મામલતદાર કિર્તિલાલ ચમનલાલ નાઈ, રવિ પ્રહલાદ નાઈ અને દેવેન્દ્ર પુનમચંદ મોદી ડિસા ખાતે આવેલા ટોપ ઈન ટાઉન ગેસ્ટ હાઉસમાં દારૂ અને જુગાર રમી રહ્યા હતા. તેમની પાર્ટી ચાલી રહી હતી કે ત્યારે પોલીસની રેડ પડતાં તેઓ પીધેલી હાલતમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. બાદમાં પોલીસે તેમને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

  આ કેસ કોર્ટની કાર્યવાહીમાં આવ્યો અને આજે ગુરુવારે ડિસા એડી. કોર્ટે ત્રણેયને તા 16-11-2018થી તા. 15-12-2018 એટલે કે 1 મહિના સુધી સવારે 10થી 12 અને સાંજે 4થી 6 દરમિયાન ડિસા સીવીલ હોસ્પિટલમાં સાફ સફાઈનું સેવાકીય કામ કરવાની સજા ફટકારી હતી. સાથે જ એક મહિનાની સજા અથવા રૂ.1000નો દંડ ભરવાની સજા કરી છે. સાથે જ કોર્ટે આ સાફ સફાઈ દરમિયાન તેમના સ્વખર્ચે વીડિયોગ્રાફી કરાવી દર અઠવાડિયે તેની સીડી સીવીલ હેડને આપવાની રહેશે.

(9:32 pm IST)