Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

આણંદના લોટીયા ભાગોળ વિસ્તારમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવ્યાપારમાં પોલીસે ઓચિંતાનો છાપો મારી બે મહિલાઓને ઝડપી પાડી

આણંદ : આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલ એક મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવ્યાપાર અંગે આણંદ એસઓજી પોલીસની ટીમે ઓચિંતો છાપો મારી બે મહિલાઓને ઝડપી પાડી હતી.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ શહેરના લોટીયા ભાગોળ સ્થિત ગોપી સિનેમા નજીક આવેલ રાધાસ્વામી સુમિત કોમ્પલેક્ષ ખાતેની એફ-૯ દુકાનમાં ચાલતા એક મસાજ પાર્લરમાં પાર્લરની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની ગુપ્ત માહિતી આણંદ એસઓજી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે ગતરોજ મેજીક સ્પા મસાજ પાર્લરમાં ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં પોલીસે મસાજ પાર્લરની મૂળ સંચાલક મહિલા સાથે અન્ય એક યુવતીને ઝડપી પાડી હતી. છેલ્લા છ માસથી જગ્યા ભાડે રાખી મસાજ પાર્લરની આડમાં દેહવ્યાપાર કરવામાં આવી રહ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું. પોલીસે બંને મહિલાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:41 pm IST)