Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ભાલેજ નજીક તાડપુરા ચોકડી પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું ઘટનાસ્થળેજ મોત

આણંદ : આણંદ જિલ્લાના ભાલેજ નજીકના તાડપુરા ચોકડી પાસે ગઈકાલ સાંજના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક થ્રીવ્હીલ ટેમ્પી રોડ વચ્ચેના ડીવાઈડર સાથે અથડાતા પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં ટેમ્પીમાં સવાર એક શખ્શનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ભાલેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાલુકા મથક ઉમરેઠની જાગનાથ ભાગોળના હરીનગર ખાતે રહેતા ગોપાલભાઈ ગોતાભાઈ તળપદા મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે. તેઓ ગતરોજ પાડવણીયા સીમમાં રહેતા મુકેશભાઈ શંકરભાઈ તળપદાની થ્રીવ્હીલ ટેમ્પીમાં સવાર થઈ સામરખા ચોકડી ખાતે આવેલ શાકમાર્કેટમાં આવ્યા હતા. સાંજના સુમારે તેઓ ટેમ્પી લઈને પરત પાડવણીયા તરફ જઈ રહ્યા હતા. દરમ્યાન લગભગ છ કલાકની આસપાસના સુમારે તેઓની ટેમ્પી ભાલેજ-ઉમરેઠ રોડ ઉપર આવેલ તાડપુરા ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે મુકેશભાઈ તળપદાએ ટેમ્પી ગફલતભરી રીતે હંકારી રોડની વચ્ચેના ડીવાઈડર સાથે અથડાવતા ટેમ્પી પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં મુકેશભાઈ તળપદાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા જ તેઓનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ગોપાલભાઈ તળપદાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે ભાલેજ પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. સાથેસાથે આ ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:40 pm IST)