Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

દારૂબંધીનો અમલ જ થતો નથીઃ હટાવી નાંખવા હાઇકોર્ટમાં અરજી

પોલીસ જ પ્રોટેકશન મની લઇને બુટલેગરને દારૂ વેંચવા પ્રોત્સાહિત કરતા હોવાનો અરજીમાં દાવો

રાજકોટ, તા.૧૬: હાઇકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, રાજયમાં અસંખ્ય સરકારી કર્મીઓ ખાનગી સ્થળે દારૂનુ સેવન કરે છે. જો દર ત્રણ મહિને આ કર્મચારીઓના લોહીના રિપોર્ટ કે ટેસ્ટ લેવામાં આવે તો આ સમગ્ર વાત સ્પષ્ટ થશે. આ સાથે જ ખબર પડશે કે રાજયમાં દારૂ કેટલી સરળતાથી મળી રહ્યો છે અને દારૂબંધીનો કાયદો કંઇ રીતે અમલી બનેલો છે. સરકારી કર્મચારીઓના લોહીના ટેસ્ટ લેવા મુદે સરકારી તંત્રને રજૂઆત પણ કરેલી છે. અરજદાર માત્ર એ જ સ્પષ્ટ કરવા માંગે છે કે, રાજયમાં દારૂબંધીનો કાયદો કેટલી વામણી રીતે અમલી બનેલો છે.

સરકાર હેલ્થ પરમિટના નામે દારૂબંધીમાં છુટછાટ આપે છે. જેના નામ પર તંત્ર દ્વારા મંજૂરી આપવાના મુદે ભ્રષ્ટાચાર આચરે છે. કાયદામાં મળેલી આ છૂટછાટ આપખુદ પ્રકારની છે. તંત્ર આના નામ પર દારૂનું સેવન કરનારા અને નહીં કરનારા વચ્ચે ભેદભાવ ન કરી શકે.

ઇન્ડિયન મેડ ફોરેન લિકર્સ (આઇએમએફએલ) ઇન્ડસ્ટ્રી દર વર્ષે અંદાજે રૂ.૧ લાખ કરોડનો ટેકસ આપે છે. જે ૩૫ લાખ ઇન્ડિયન મેડ ફોરેન લિકર્સ (આઇએમએફએલ) ઇન્ડસ્ટ્રી દર વર્ષે અંદાજે રૂ.૧ લાખ કરોડનો ટેકસ આપે છે. જે ૩૫ લાખ કુટુંબોને સીધી કે આડકતરી રીતે રોજગાર આપે છે. આ ઇન્ડસ્ટ્રીઝ લાખો લોકોને રોજગાર આપે છે.

ગુજરાત દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે, ઠેરઠેર દારૂ મળે છે, આ કાયદાના બિનઅસરકારક અમલના લીધે રાજયમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ખરા અર્થમાં કડકાઇથી અમલ તો થતો નથી તો તેને હટાવી દેવો તે જ હિતાવહ હોવાની માગ સાથે ગુરૂવારે હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠમાં વધુ એક અરજી કરવામાં આવી છે. સુનાવણી બાદ, હાઇકોર્ટે અરજીને આ મુદા પર થયેલી અન્ય અરજીઓ સાથે જોડી છે. કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે અરજદારના વકીલને સવાલ કર્યો હતો કે, અરજીમાં માગ છે તે વિપરીત પ્રકારની છે. તમે દારૂબંધીના કાયદાના મુદે સરકારને સમર્થન કરો છો કે વિરોધ? જેના જવાબમાં અરજદારના વકીલે રજુઆત કરી હતી કે, તેઓ સરકારને સમર્થન કરે છે. બીજી તરફ, સરકારની રજુઆત હતી કે જો તેઓ સમર્થન કરે છે તો સારી વાત છે. અરજદારના વકીલની રજુઆત હતી કે, રાજયમાં દારૂબંધીનો કાયદો માત્ર કહેવા ખાતર જ છે, આ સંજોગોમાં તો રાજયમાંથી દારૂબંધીનો કાયદો હટાવી લો. કાયદાના કડકના અમલના અભાવે રાજયમાં અસંખ્ય લોકો દારૂ વેચવાના ધંધા સાથે સંકળાયેલા છે. ખુદ પોલીસ બુટલેગરો પાસેથી પ્રોટેકશન મની લઇને દારૂના વેચાણને પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતમાં એટલી હદે દારૂ છે કે, રાજયના તંત્રએ થોડા વર્ષ પહેલા, રૂ.૨૫૪૮ કરોડથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરેલો છે. તંત્ર જો દારૂબંધીનો કાયદો હટાવી દે તો સરકારના અનેક ખર્ચાઓ ઘટશે અને આવક વધશે. એક સર્વે મુજબ રાજય સરકાર દર મહિને અંદાજે રૂ.૨૦૦ કરોડની આવક મેળવી શકે છે. જેના આધારે લોક કલ્યાણના કાર્યો કરી શકાશે. જો કે, સત્તામાં બેઠેલા કેટલાક લોકો તેમના અંગત લાભ ખાતર આ વાતને મંજૂરી આપતા નથી.

(3:00 pm IST)