Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ધર્માંતરણ અને ફન્ડીંગના કેસમાં ઝડપાયેલા સલાઉદ્દીન અને ઉમર ગૌતમને વડોદરા લવાશે

યુપી પોલીસ તેમને વડોદરા પોલીસને સોંપશે: એસઓજી કચેરી ખાતે બંને આરોપીઓને 24 કલાક સુધી કસ્ટડીમાં રાખી મેડિકલ ટેસ્ટ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરાશે

વડોદરા : ધર્માંતરણ અને ફન્ડીંગના કેસમાં ઝડપાયેલા સલાઉદ્દીન અને ઉમર ગૌતમને વડોદરા લાવવામાં આવશે. યુપી પોલીસ તેમને વડોદરા પોલીસને સોંપશે. વડોદરા એસઓજી કચેરી ખાતે બંને આરોપીઓને 24 કલાક સુધી કસ્ટડીમાં રાખી તેમના મેડિકલ ટેસ્ટ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ રિમાન્ડ મેળવવામાં આવશે.

વડોદરા એસઓજીના અધિકારીઓ દ્વારા આફમી ટ્રસ્ટ અને સીમી વચ્ચે ધર્માંતરણ મામલે નાણાકીય લેવડ થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.ત્યારે પોલીસ પણ શહેરમાં સાયલન્ટ મોડ પર રહેલા સીમીના કાર્યકરો પર વોચ રાખી રહ્યાં છે. ત્યારે સલાઉદ્દીન અને ઉમર ગૌતમના રિમાન્ડ લીધા બાદ આરોપીઓએ શહેરના કયા સીમીના કાર્યકરો સાથે નાણાકીય લેવડ દેવડ કરી હતી,તે પુછપરછ બાદ જ સીમી કનેક્શન અંગે વધુ હકિકત બહાર આવશે. જોકે અત્યાર સુધી પોલીસ દ્વારા એક પણ સીમીના કાર્યકરની અટક કે પુછપરછ કરી નથી. ઉલ્લેખનિય છે કે, પોલીસ તપાસમાં સલાઉદ્દીન અને મોહંમદ મન્સુરીના વડોદરામાં સીમીના નિષ્ક્રિય ચાર કાર્યકરો સાથે સંપર્કો હોવાનું બહાર આવ્યું છે.

ઉત્તરપ્રદેશ પોલીસે અગાઉ ધર્માતરણ મામલે ઉમર ગાૈતમની ધરપકડ કરી હતી.તેની પૂછપરછમાં વડોદરા સ્થિત આફમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરોડોનું દાન અપાયું હોવાની વિગતો સપાટી પર આવતાં યુપી પોલીસે ટ્રસ્ટના સલાઉદ્દીનની ધરપકડ કરી હતી.તપાસમાં સલાઉદ્દીન અને મોહંમદ મન્સુરીના વડોદરામાં હાલ સીમીના નિષ્ક્રીય ચાર કાર્યકરો સાથે સંપર્કો હોવાનું ખુલ્યું હતું. તપાસ દરમિયાન પ્રતિબંધીત સીમીના અંદાજે 15 જેટલા નિષ્ક્રીય કાર્યકરોની હાજરી હોવાનું ખુલવા પામ્યું હતું.

(1:22 pm IST)