Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાના પ્રત્યેક યાત્રાળુને પાંચ હજારની સહાય અપાશેઃ પ્રવાસન મંત્રી પુર્ણેશભાઇ મોદી

શબરી ધામ ખાતે રાજય કક્ષાના દશેરા મહોત્સવની થઇ શાનદાર ઉજવણીઃ પ્રવાસન અને યાત્રા ધામોના વિકાસની નેમ સાથે સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ પ્રવાસન સર્કિટ વિકસાવાશે - પ્રવાસન મંત્રી શ્રી પુર્ણેશભાઇ મોદી

(ડાંગ માહિતી બ્યુરો) આહવા, તા.૧૫: ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજો એવા, આદિવાસી સમાજના પ્રજાજનોને, શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવામા આવશે, તેવી 'શબરી ધામ' ખાતેથી જાહેરાત કરતા રાજયના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન યાત્રા સહિત શ્રવણ તીર્થ યાત્રા જેવી યોજનાઓમા અપાતી આર્થિક સહાયનો ખ્યાલ આપ્યો હતો.

દંડકારણયની પાવન ભૂમિ ઉપર વિજયા દશમીની ઉજવણીની સાથે હવેથી પ્રતિવર્ષ પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલા ગુજરાતના તીર્થ સ્થાનો ઉપર 'શબરી મહોત્સવ'નું આયોજન કરવાની નેમ વ્યકત કરતા મંત્રીશ્રીએ, ભારત વર્ષની ઉચ્ચત્ત્।મ શાસ્ત્રોકત પદ્ઘતિ, અને યુગ યુગાન્તરની ગણના પદ્ઘતિનો ખ્યાલ આપી, પ્રભુ શ્રી રામ, રામાયણ, અને રામસેતુને કાલ્પનિક કહેનારા લોકોને વૈજ્ઞાનિક પ્રમાણો મળી ચુકયા છે તેમ જણાવ્યુ હતુ.

નવ નવ દિવસની શકિત આરાધનાની માં જગદંબાના ધામ શકિતપીઠ અંબાજીથી પ્રારંભાયેલી યાત્રાનુ સમાપન 'શબર ધામ' ખાતે થઈ રહ્યુ છે, તેમ જણાવતા પ્રવાસન મંત્રીશ્રીએ 'સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ થયો છે તેમ ઉમેર્યું હતુ.

શબરી ધામ ખાતે મહાઆરતી અને રાવણ દહનના કાર્યક્રમમા ભાગ લેતા મંત્રીશ્રીએ ખાસ કરીને આદિવાસ વિસ્તારોમા દશેરા મહોત્સવની ઉજવણી અધર્મ પર ધર્મના વિજયના નારાને બુલંદ કરવા સાથે, પવિત્ર સ્થાનોની ગરિમા વધારીને, સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરશે તેમ જણાવ્યુ હતુ.

શબરી ધામનુ માહાત્મ્ય વર્ણવતા રાજયના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે પ્રવાસન પ્રવૃતિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીનુ પણ વિપુલ માત્રામા સર્જન કરવામા આવી રહ્યુ છે તેમ જણાવી ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમા શ્રેણીબદ્ઘ વિકાસ કામો હાથ ધરીને પ્રજાજનોના સર્વગ્રાહી વિકાસ માટે રાજય સરકાર પ્રતિબદ્ઘ છે તેમ તેમના પ્રાસંગિક વકતવ્યમા જણાવ્યુ હતુ.

ડાંગ જિલ્લાના પ્રજાજનો સુખી અને સમૃદ્ઘ બને તેવા સુભાશિષ આપતા વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે અયોધ્યામા રામ મંદિરનુ નિર્માણ, જમ્મુ કાશ્મીરની ૩૭૦ની કલમ નાબુદી સહિતના સાહસિક પગલાઓની જાણકારી આપી બીલીમોરા-વદ્યઇ નેરોગેજ ટ્રેનને પુનઃ શરૂ કરી આ વિસ્તારના વિકાસ માટે રાજય અને કેન્દ્ર સરકાર પ્રયાસરત છે તેમ જણાવ્યુ હતુ.

'જય શ્રી રામ'ના જયદ્યોષ સાથે પ્રાસંગિક વકતવ્ય રજૂ કરતા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે દશેરા પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી. તેમણે શબરીધામ ખાતે આયોજિત વિજયા દશમીપર્વની રાજય કક્ષાની ઉજવણી કરવા બદલ રાજય સરકારનો આભાર વ્યકત કરી ડાંગના ધાર્મિક, એતિહાસિક, પ્રાકૃતિક પ્રવાસન ધામોના વધુ વિકાસ માટે અભિલાષા વ્યકત કરી હતી.

કાર્યક્રમની શરૂઆતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર.આર.રાવલે કાર્યક્રમની રૂપરેખા આપી મંત્રીશ્રી સહિતના મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ. શબરી ધામ ખાતે રાજય સરકાર દ્વારા ચાલી રહેલા પાંચ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનો ખ્યાલ આપી સચિવશ્રીએ શબરી ધામ સિવાયના યાત્રા ધામોનો પણ તબક્કાવાર વિકાસ થઈ રહ્યો છે તેમ જણાવ્યુ હતુ. કાર્યક્રમના અંતે આભારવિધિ ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ આટોપી હતી.

'દશેરા મહોત્સવ'ના રાજય કક્ષાના શબરી ધામ ખાતેના કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિના પ્રતિકરૂપ સોનગઢ (તાપી) નુ ઢોલ નૃત્ય, છોટા ઉદેપુરનુ દિવા નૃત્ય, સાગબારા (નર્મદા) નુ હોલી નૃત્ય, અને ડાંગના ડાંગી નૃત્ય સહિત આદિવાસી નૃત્યએ પ્રેક્ષકોના મન ડોલાવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય સ્ટેજ ઉપર થી રજુ થયેલા આ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ડાંગની પાવરીની સુરાવલીઓ વચ્ચે મહાનુભાવોનું ભાવભીનું સ્વાગત કરાયુ હતુ.

ઉપરાંત ડિજિટલ યુગમા જયારે આમ નાગરીકોનુ જીવન ધોરણ બદલાઈ રહ્યુ છે, ત્યારે જુદી જુદી સરકારી સેવાઓ પણ, જનતાને ઘરબેઠા જ ઉપલબ્ધ કરાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન અનુસાર, ગુજરાતના માર્ગ-મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીએ તેમના વિભાગની સેવાઓને વધુ સુગમ બનાવી છે.

'પૂર્ણેશ મોદી એપ'અને 'વેબસાઇટ'ના માધ્યમથી શ્રી મોદીના જુદા જુદા વિભાગોની સેવાઓ ઉપલબ્ધ કરાવતા, સોશ્યલ મીડિયાના આ પ્લેટફોર્મ ઉપરથી, પ્રજાજનોને દ્યરબેઠા એક જ કિલક કરવાથી જુદી જુદી સેવાઓ પ્રાપ્ત થશે, જેનાથી જરૂરિયાતમંદ પ્રજાજનોના સમય અને ઈંધણની બચત સાથે, સેવાઓ મેળવવુ વધુ સુગમ બનશે. ઉલ્લેખનિય છે કે, ગુગલ પ્લેસ્ટોર પરથી વડાપ્રધાનશ્રીની 'નમો એપ'ડાઉનલોડ કર્યા બાદ શ્નપૂર્ણેશ મોદી એપલૃપ્રજાજનો ડાઉનલોડ કરી શકશે. જે અંગેની જાણકારી પણ આ કાર્યક્રમમા આપવામા આવી હતી.

કાર્યક્રમમા ડાંગના જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહજી જાડેજા, સહિત સમગ્ર ડાંગ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. મુખ્ય મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર સહીતના હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:57 am IST)