Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

નિમિષા સુથારના પિતા આદીવાસી હતા કે નહીં એ ખબર નથી, એમનું પરિવાર આદીવાસી નથી : સાંસદ મનસુખ વસાવાનું વિસ્ફોટક નિવેદન

મને પાર્ટી કાઢી મૂકે એની મને પરવા નથી પણ હું સાચું વાત કહીશ જ : કેટલાક લોકો નિમિષા સુથારના પગે પડતા હતા, ખોટા લોકોના પગે કોઈ દિવસ પડવું ન જોઈએ

રાજપીપળા: દશેરાના શુભ દિને ભાજપ સાંસદ મનસુખ વસાવા સાગબારાના દેવમોગરા માતાજીના મંદિરમાં પાંડુરી માતાજીની આરતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.એમની સાથે ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આરતીના કાર્યક્રમ બાદ મનસુખ વસાવાએ કાર્યકરોને સંબોધ્યા હતા અને આદિવાસીઓમાં ભાગલા પડાવનારા અને ખોટા આદીવાસીના પ્રમાણપત્રો લેનારાને આડેહાથ લીધા હતા.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના પ્રશ્નોના ઉકેલ માટે આપણે સંગઠિત થવું પડશે.દેશમાં આદિવાસીઓ વચ્ચે ભાગલા પડાવવા વાળા વિદેશી તાકાત અને રૂપિયાને લીધે સક્રિય બન્યા છે એમનાથી સાવધાન રહેવું પડશે બાકી ભવિષ્યમાં હિંદુ ધર્મ ખતરામાં આવી જશે.આપણે દેશમાં સત્તા હાંસિલ કરી દીધી એટલે એવું ન સમજવું કે આપણે જગ જીતી લીધું.આદિવાસીઓએ પણ વર્ષોથી દેવી દેવતાની પૂજા કરતા આવ્યા છે. હિંદુ ધર્મનો ઠેકો લઈ ફરનારાને હું કહું છું, આદીવાસીઓને દિલથી સ્વીકારજો.ગુજરાતમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લેનારા સંગઠિત થઈ રહ્યાં છે અને આપણે સાચા આદિવાસીઓ અંદરો અંદર લડી રહ્યા છે.

મોરવા હડફના ધારાસભ્ય અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી નિમિષા સુથારના આદિજાતિ પ્રમાણપત્ર મુદ્દે હાલ આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે મનસુખ વસાવાએ જણાવ્યુ હતુ કે નિમિષા સુથાર ભલે ભાજપમાં હોય પણ પિતા આદીવાસી હતા કે નહીં એ ખબર નથી, એમનું પરિવાર આદીવાસી નથી, છતાં પાર્ટીએ એમને ટીકીટ આપી મંત્રી બનાવ્યા કારણ એમની પાસે આદિવાસીનું સર્ટી ફીકેટ હતું, એમને ટિકીટ આપી મંત્રી બનાવ્યા એ પાર્ટીનો અને સરકારનો વિષય છે.

નિમિષા સુથાર ખોટા છે એટલે ખોટા જ છે.હું એમના ચૂંટણી પ્રચારમાં જીતાડવા પણ નથી ગયો, જે લોકો એમને જીતાડવા ગયા છે એમને ખબર હશે.નિમિષા સુથાર જ્યારે રાજપીપળા આવ્યા તો લોકો એમને પગે પડતા હતા પણ ખોટાને પગે ન પડવું જોઈએ.મને પાર્ટી કાઢી મૂકે એની મને પરવા નથી પણ હું સાચું વાત કહીશ જ.

(11:31 pm IST)