Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મહિલાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી

અમદાવાદના રામોલ વિસ્તારનો બનાવ : બન્ને આરોપીઓએ ભેગા મળીને મૃતકને ઊંઘની ગોળીઓ આપ્યા બાદ ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરી દીધી

અમદાવાદ,તા.૧૫ : અમદાવાદના રામોલ વિસ્તારમાં પત્ની દ્વારા પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. મહત્વનું છે કે પત્નીએ હત્યા કર્યા બાદ કુદરતી મોત જાહેર કરી દીધું હતું પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હત્યા થઈ હોવાનો ખુલાસો કર્યો છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલમાં ગત ઓગસ્ટ મહિનામાં બીપીનચંદ્ર પટેલ નામના એક વ્યક્તિનું મોત થયેલ અને જેમાં પોલીસ ગિરફતમાં આવેલી તેની પત્ની દીપ્તિ પટેલે તેના પતિને હાર્ટ અટેક આવવાથી મોત થયેલ હોવાનું જાહેર કરેલ પરંતુ આ મોત શંકાસ્પદ હોવાથી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપી પત્ની દીપ્તિ અને તેમની સોસાયટીમાં રહેતા આરોપી સૌરભ સુથાર વચ્ચે અનૈતિક સંબંધ હતા અને જેની જાણ ૫ મહિના પહેલા બિપિન ભાઈને થઈ ગઈ હતી. જેથી બન્ને આરોપીઓએ ભેગા મળીને બિપિન ભાઈને ઊંઘની ગોળીઓ આપ્યા બાદ ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરી દીધી હતી. પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે બન્ને આરોપીઓ વચ્ચે વર્ષ ૨૦૧૮થી પ્રેમ સંબંધ હતો અને બિપિન ભાઈને તેની જાણ ૫ મહિના પહેલા થઈ હતી.

           જેથી બન્ને એક બીજાને મળી શકતા ન હતા. બન્ને આરોપીઓ એક બીજા વગર રહી પણ શકતા ન હતા. જેથી તેમણે બિપિનભાઈની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આરોપી સૌરભની સાથે કામ કરતા જતીન પંડ્યાની પત્ની નર્સ તરીકે કામ કરે છે જેથી આરોપીઓએ જતીન પાસેથી તેની પત્નીને કહી ઊંઘની ગોળીઓ મંગાવી લીધી હતી અને ગત ૧૯-૮-૨૧ના રોજ બિપિન ભાઈને દૂધમાં ૪ ગોળીઓ આપી દીધી હતી. નોંધનીય છે કે આ પ્રકારના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે અને જે સમાજ માટે ખૂબ ચિંતાજનક છે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રામોલ પોલીસને સોંપવા કામગીરી કરી રહી છે. આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે કેમ તેની પણ તપાસ ચાલુ છે.

(9:24 am IST)