Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

વસ્ત્રાલ RTO લાઇસન્સ કૌભાંડમાં કલાર્કને જામીન

દિપ્તીબહેનના શરતી જામીન મંજૂર

અમદાવાદ, તા.૧૬: વસ્ત્રાલ આરટીઓમાં રજાના દિવસે સોફ્ટવેરમાં ચેડા કરી ૧૨૦ લાઇસન્સ બનાવવાના ચકચારભર્યા કેસમાં સરકારી કોમ્પ્યુટરનો ગુપ્ત યુઝર આઇડી અને પાસવર્ડ આપનાર મહિલા કલાર્ક દિપ્તીબહેન સોલંકીના શરતી જામીન આજે એડિશનલ સેશન્સ જજ વી.જે.કલોતરાએ મંજૂર કર્યા હતા. વસ્ત્રાલ આરટીઓેની મહિલા કલાર્ક દિપ્તીબહેન સોલંકી તરફથી કરાયેલી જામીનઅરજીમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ પ્રતિક કે.નાયકે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ફરિયાદપક્ષના આરોપ મુજબ, દિપ્તીબહેન સોલંકીએ સરકારી કોમ્પ્યુટરના ગુપ્ત યુઝર આઇડી અને પાસવર્ડ આરોપી એજન્ટ જીગ્નેશ મોદી અને અન્ય છોકરીને આપી દીધા હતા. જેના કારણે તેને દૂરપયોગ થયો હતો અને રજાના દિવસે આરટીઓ કચેરીમાં સોફટવેરમાં ચેડા કરી બારોબાર ૧૨૦ લાઇસન્સની એન્ટ્રી કરી દેવાઇ હતી. પરંતુ સમગ્ર કેસમાં અરજદાર વિરૂધ્ધ કોઇ પ્રથમદર્શનીય કેસ બનતો નથી કે તેમની વિરૂધ્ધમાં કોઇ નક્કર પુરાવા પણ નથી. કારણ કે, અરજદારે જે છોકરીને પેનડ્રાઇવ આપી હતી, તેને ખુદ પોલીસે સાહેદ તરીકે લીધી છે. વળી, આ કેસમાં તપાસ પૂરી થઇ ગઇ છે અને ચાર્જશીટ પણ ફાઇલ થઇ ગયુ છે, ત્યારે હવે અરજદારને જેલમાં રાખીને કોઇ અર્થ નથી. અરજદાર મહિલા છે અને ઓગસ્ટ મહિનાથી મહિલા હોવાછતાં જેલમાં છે. આ સંજોગોમાં કોર્ટે અરજદારને જામીન પર મુકત કરવા જોઇએ. અરજદાર મહિલા કલાર્ક તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખીને એડિશનલ સેશન્સ જજ વી.જે.કલોતરાએ દિપ્તીબહેન સોલંકીના શરતી જામીન મંજૂર રાખ્યા હતા.

(10:25 pm IST)