Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

PSI સહિત ૪ આરોપીના નામ ખૂલતાં ભારે હોબાળો

જાપ્તામાંથી આરોપી ભગાડી મૂકવાનો મામલોઃ હોમગાર્ડના સસ્પેન્ડેડ સિનિયર કમાન્ડન્ટ ગોહિલનું નામ

અમદાવાદ, તા.૧૬: સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નજીક પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટેલા આરોપી હિતુભા ઝાલાને ભગાડી મૂકવાના ચકચારભર્યા કેસમાં પીએસઆઇ સહિત ચાર આરોપીઓને નામો ખુલવા પામ્યા છે. જેમાં હોમગાર્ડના સસ્પેન્ડેડ સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલનું પણ નામ સામે આવ્યું છે. આમ, બ્રિજરાજસિંહ ગોહિલનું નામ વધુ એક ગુનામાં ખુલતાં પોલીસ બેડામાં ભારે ચર્ચા ચાલી રહી છે. જો કે, પીએસઆઇ સહિત ચારેય આરોપીઓના જામીન ધ્રાંગધ્રા કોર્ટે મંજૂર કર્યા હતા. તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટેલા આરોપી હિતુભા ઝાલા ભાગી જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસ તંત્રમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આરોપી હિતુભા ઝાલાને ભગાડી મૂકવાના ચકચારભર્યા પ્રકરણમાં ભૂતપૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલ, ભગીરથસિંહ ચુડાસમા, પકો ઉર્ફે કાચો ચીલો અને ફોર્ચ્યુનર કારના માલિક જાસ્મીન કોઠારીના નામો ખુલ્યા હતા. પોલીસના જાપ્તામાંથી આરોપી હિતુભા ઝાલા ભાગી ગયો બાદ સુરેન્દ્રનગર પોલીસે ફોર્ચ્યુંનર કારના ડ્રાઈવર હિતેશ જોશીને ઝડપી પાડ્યો હતો. જેની તપાસ બાદ વધુ ચાર શખ્સોના નામ બહાર આવ્યા હતા. પોલીસે ૪૮ કલાકમાં ગુનો નોંધાયા બાદ આરોપીને ભગાડી જનાર તમામની કડીઓ પકડી પાડી છે. અગાઉ ભૂતપૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલ સામે એક કંપનીના એકાઉન્ટન્ટના અપહરણ કેસમાં અને દારૂ પીધેલી હાલતમાં પકડવાના કેસો થયેલા છે. આમ બ્રિજરાજસિંહ ગોહિલ સામે આ ત્રીજો ગુનો નોંધાયો હિવ ની પણ માહીતી મળી રહી છે.

(10:10 pm IST)