Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

કરવા ચોથની ઉજવણી માટે પરિણિત મહિલાઓ ઉત્સુક

બજારમાં પણ ખરીદીને લઇને માહોલ જામ્યોઃ પતિના આયુષ્ય અને અખંડ સૌભાગ્યવતિ પ્રાપ્ત કરવાના હેતુસર કરવા ચોથની ઉજવણી થાય છે : અનેક માન્યતા

અમદાવાદ, તા. ૧૬: હિન્દુઓના મુખ્ય તહેવાર કરવાચોથ પર્વની આવતીકાલે ઉજવણી કરવામાં આવનાર છે. આને લઇને બજારોમાં હાઉસફુલની સ્થિતિ જોવા મળી રહી છે. જુદી જુદી ચીજવસ્તુઓની ખરીદી મોટાપાયે કરવામાં આવી રહી છે. કાળુપુરમાં વિશેષ કરીને ખરીદીનો માહોલ જામ્યો છે. હિન્દુઓના મુખ્ય તહેવાર તરીકે ગણાતા કરવાચોથના દિવસે પરિણિત મહિલાઓ પતિના આયુષ્ય માટે સવારથી ઉપવાસ રાખે છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે. કરવાચોથના દિવસે મહિલાઓ સાંજે નવા વસ્ત્રો પહેરીને સમૂહમાં એકત્રિત થાય છે અને એકબીજાને વાર્તા સંભળાવે છે. મોડી સાંજે ચંદ્રની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ પતિના ચહેરાને જોઇને ઉપવાસ તોડવાની પરંપરા રહેલી છે. મોટી વયની મહિલાઓને ભેંટ આપવાની પણ પરંપરા રહેલી છે. મોટી વયના લોકોના આશીર્વાદ મેળવવામાં આવે છે. ભેંટમાં કેટલાક લોકો ખાંડથી બનેલા કરવા આપે છે જ્યારે કેટલાક લોકો તાંબા અને સ્ટીલના વાસણો પણ આપે છે.

શાસ્ત્રોના કહેવા મુજબ કરવાચોથ વ્રત કાર્તિક માસના કૃષ્ણપક્ષના ચંદ્રોદય ચતુર્થીના દિવસે કરવામાં આવે છે. બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં કૃષ્ણપક્ષની ચતુર્થીને કરવાચોથ તરીકે મનાવવામાં આવે છે. પરિણિત મહિલાઓ દ્વારા આ વ્રત વિશેષરીતે કરવામાં આવે છે. શહેરના અમરાઈવાડી, નરોડા, નોબલનગર, રખિયાલ, સરસપુર, જોધપુર જેવા વિસ્તારોમાં રહેતા આ રાજ્યોના લોકોમાં આ પર્વને લઇને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાળુપુર દરવાજાની નજીક કરવાના વેપારી પંકજલાલાનું કહેવું છે કે, આ વ્રતમાં  કરવાની પુજા કરવામાં આવે છે જે ખાંડથી બને છે. તેમના કહેવા મુજબ વર્ષોથી આ પ્રકારના કરવા અને અન્ય ચીજોનું વેચાણ કરે છે.

(10:04 pm IST)