Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ગુજરાત પેટાચૂંટણીને લઇ એક્ઝિટ પોલ પર પ્રતિબંધ

ચૂંટણી સુધી સર્વે અને ઓપિનિયન પોલ પર બ્રેક : ૨૧ ઓક્ટોબરના દિવસે રાજ્યની છ વિધાનસભા સીટની પેટાચૂંટણીને લઇ રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી

અમદાવાદ,તા.૧૬  : ગુજરાતની છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ તમામ તૈયારીઓમાં વ્યસ્ત છે. ચૂંટણી પ્રચાર પણ ચરમસીમા પર છે ત્યારે રાજ્યની છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી સંદર્ભે મતદાનના મામલે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પર હવે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ખાલી પડેલ છ વિધાનસભાની પેટા ચૂંટણી ૨૧મી ઓક્ટોબરે યોજાનાર છે જે સંદર્ભે મતદાન અંગેના સર્વેક્ષણ કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ કરવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે એમ રાજ્યના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીની યાદીમાં જણાવાયું છે. રાજયમાં ૦૬ થરાદ, ૧૬-રાધનપુર, ૨૦-ખેરાલુ, ૩૨-બાયડ, ૫૦-અમરાઇવાડી તથા ૧૨૨-લુણાવાડા વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે ૨૧મી ઓક્ટોબરે મતદાન થનાર છે.

             આ સંદર્ભે તા.૨૧/૧૦/૧૯ને સોમવારના રોજ સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૩૦ વાગ્યા દરમિયાન નક્કી કરતું મતદાન તથા મતદાન પૂરુ થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ કરવા અને મતદાન અંગેના અનુમાનો કે ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેકટ્રોનીક માધ્યમ પરથી પ્રસારિત કરવા પર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ હેઠળ પ્રતિબંધ ફરમાવાયો છે એમ વધુમાં જણાવાયું છે. બીજી બાજુ ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા વર્ષ-૨૦૧૯માં દેશમાં મતદાર શિક્ષણ અને મતદાર જાગૃતિ સંબંધી પ્રચાર-પ્રસારની ઉત્તમ પ્રકારની કામગીરી કરનાર મીડિયા હાઉસને એવોર્ડ આપી સન્માનિત કરાશે. આ માટે ચૂંટણી પંચે (૧) પ્રિન્ટ મીડિયા (ર) ઇલેક્ટરોનિક મીડિયા-ટેલીવિઝન (૩) ઇલેકટ્રોનિક મીડિયા-રેડિયો તેમજ (૪) ઓન લાઇન (ઇન્ટરનેટ/સોશિયલ મીડિયા) એમ ચાર કેટેગરી મુજબ જુદાજુદા એવોર્ડ અપાશે.

          આ બાબતે રસ ધરાવતા મીડિયા હાઉસ-સંસ્થાઓએ તા.૨૪ ઓકટોબર-૨૦૧૯ સુધીમાં પોતાની દરખાસ્ત અંગ્રેજી-હિન્દીમાં હાર્ડ તથા સોફ્ટ કોપીમાં આપવાની રહેશે. જો મીડિયા હાઉસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો અંગ્રેજી/હીન્દી સિવાયની ભાષામાં હોય તો તેનું અંગ્રેજીમાં અનુવાદ કરી મોકલવાની રહેશે. આ દરખાસ્તમાં મીડિયા હાઉસનું નામ, સરનામું, ટેલિફોન નંબર, ઇ-મેઇલ એડ્રેસ વગેરે બાબતોનો ઉલ્લેખ કરવો જરૂરી છે. સંબંધિત મીડિયા હાઉસે પોતાની દરખાસ્ત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, સામાન્ય વહીવટ વિભાગ, બ્લોક નંબર-૭, બીજો માળ, નવા સચિવાલય, ગાંધીનગર, ઇમેઇલ મોકલી આપવાની રહેશે. આ અંગે વધુ વિગત માટે સ્વીપ બ્રાન્ચ, ૦૭૯ ૨૩૨ ૫૫૭૪૬ ઉપર સંપર્ક કરી શકાશે. અત્રે નોંધનીય છે કે, મીડિયા હાઉસ-સંસ્થાઓ પોતાની દરખાસ્ત સીધે સીધી ચૂંટણી પંચને પણ નિયત સમયમર્યાદામાં કરી શકશે જેની જાણ પણ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગરને કરવાની રહેશે તેમ, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. પેટાચૂંટણીને લઇને રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ચુકી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીત માટે તમામ તાકાત લગાવી દીધી છે. પરિણામોને લઇ પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.

(8:41 pm IST)